નવસારી રેલવે સ્ટેશન ઉપર આવેલા મહિલા શૌચાલયમાંથી બાળકીની લાશ મળી આવ્યાની રવિવારની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી આ પાંચ વર્ષીય બાળાનું કોઈક મહિલાએ અપહરણ કર્યું હતું. સોમવારે મૃતક બાળાનું પીએમ કરાવી લાશનો કબ્જો તેની મુંબઈ પોલીસની હાજરીમાં વાલી વારસોને નવસારી રેલવે પોલીસે સુપરત કર્યો હતો. નાલાસોપારા પોલીસ મથકમાં મૃતકના વાલીએ પોતાની દીકરીનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી છે. અહીં ઉલ્લેખનીય છેકે નવસારી રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમરા જ ન હોવાથી આ ઘટનાની મહત્વ ફૂટેજ રેકોર્ડ નથી થઈ. અને જો સીસીટીવી કેમેરા હોત તો ઘટનાની મહત્વની કડીઓ મળી શકી હોત.
હત્યારીની ની તાત્કાલિક ધરપકડ કરવા માટે લગભગ 5,000 સ્થાનિક લોકોએ સોમવારે તુલીનજ પોલીસ સ્ટેશનની સામે એક મોરચો ગોઠવ્યો હતો.
નવસારીમાં રેલવેના સ્ટેશન ઉપર આવેલા મહિલા શૌચાલયમાંથી અંદાજિત 5 વર્ષીય બાળાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારી રેલવે પોલીસે આ બાળકીનો કબજો લઇ તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. રેલવે પોલીસે મૃતક બાળાનું આજે પીએમ કરાવ્યું હતું અને એફ.એસ.એલની મદદથી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન મૃતક બાળાની ઓળખ થઈ ગઈ હતી. તે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલ નાલાસોપારા વિસ્તારમાં રહેતા સંતોષ સરોજની દીકરી અંજલિ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
સંતોષ ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 24મી તારીખે સવારે 8 વાગ્યે અંજલિ ઘરની બહાર ગયા પછી ગાયબ થઈ ગઈ હતી. તે મોડી રાત સુધી ઘરે પરત નહીં થતા તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ રવિવારે તેની લાશ મળી આવતા સરોજ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી રેલવે પોલીસે અંજલિના મોતનું કારણ જાણવા વિસેરા પણ લીધા છે. હાલના તબક્કે તેની હત્યા કરાઈ હોવાની શંકા પ્રબળ બની છે અને પોલીસે પણ એ દિશામાં જ તપાસ હાથ ધરી છે.