શ્રાવણ માસ બાદ ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પૂરની સાથે જ છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ, ડેમમાં પાણીના ઇનફ્લોને લઇને તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે.એવામાં અસ્સલ મિજાજ સાથે સોશિયલ મીડિયામાં ફોટા, વિવિધ રમૂજી મેસેજનું ઘોડાપૂર આવ્યું હતું. તે સાથે જ છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો હોય ‘આમ જ વરસાદ પડશે તો દશેરાએ રાવણને બાળવાને બદલે ડુબાડવો પડશે’
‘સુની સુની હતી નદીયું ને હૈયે લાગ્યા’તા તીર, આખું ચોમાસું કેવું કોરું ગયું ને ભાદરવે આવ્યાં નીર’ જેવા રમૂજી મેસેજ વહેતા થયા હતા.સામાન્યપણે શહેર, રાજ્ય, દેશ-દુનિયામાં ચાલતી ગતિવિધિ, વિવિધ હિલચાલની સીધી અસર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. એવામાં બુધવારે દિવસભર સુરતવાસીઓના સોશિયલ મીડિયામાં વરસાદ અને પાણીની જ ચર્ચા ચાલી હતી. જોકે, તેમાં આ વેળાએ ઠેરઠેર વરસાદની સાથે ભજિયા પાર્ટીના મેસેજ ઓછા અને ઉકાઇમાંથી છોડાઇ રહેલા પાણીની ચિંતા વધુ હોય એવું દેખાયું હતું