પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સિરામિક ઈન્ડસ્ટ્રીને રૃ. ૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. મોરબી સિરામિક ઉદ્યોગમાં મંદીની સ્થિતિ વચ્ચે હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. મોરબીના ઉદ્યોગકારોને કોલગેસ ચલાવવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અન્વયે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફટકારેલ રૃપિયા ૫૦૦ કરોડના દંડ પ્રકરણની સુનાવણી પૂર્વે હાઇકોર્ટે દંડની ૨૫ ટકા રકમ ભરી આપવા ઓર્ડર કરતા સિરામિક ઉદ્યોગપતિઓની રાડ ફાટી છે અને હવે આ મામલે સુપ્રિમકોર્ટમાં જંગ લડવા તૈયારી શરૃ કરાઈ છે.
મોરબીના સિરામિક એકમોએ ઈંધણ માટે કોલગેસ પ્લાન્ટ લગાવ્યા હતાં. કોલગેસ પ્લાન્ટથી પર્યાવરણને થતા નુકસાન અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ ફ્રિયાદો થતા એનજીટી દ્વારા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ આપી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને કોલગેસ પ્લાન્ટ ચલાવતા એકમોને દંડ ફટકારવા આદેશ કરતા જીપીસીબીએ ઇન્ટ્રીમ ઓર્ડર કરી ૩૫૦ જેટલા સિરામિક એકમોને રૃપિયા ૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. સિરામીક ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફટકારેલા દંડને ગુજરાત હાઇકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે આ કેસની સુનાવણીમાં ઉદ્યોગકારોને આ કેસ આગળ ચલાવતા પૂર્વે દંડની ૨૫ ટકા રકમ એટલે કે ૧૨૫ કરોડ રૃપિયા જમા કરાવવા આદેશ કરતા આ મંદીના સમયમાં ઉદ્યોગકારો આટલી મોટી રકમ જમા કરાવવા પ્રશ્ને વિમાસણમાં મુકાઈ ગયા છે.