ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. જેમાં દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે. જેનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જેની માટે સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત દ્વારકાના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જયારે ભારે વરસાદના કારણે દ્વારકા અને જામખંભાળીયાનો હાઈવે બંધ થયો છે. તેમજ જામખંભાળીયા નજીક આવેલા ખોડિયાર મંદિર પાસેના ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. પુલનું કામ ચાલતું હોય ત્યારે ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે અને હાઇવે બંધ થતાં વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.