કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. સમાજમાં બળાત્કાર, હત્યા અને છેડતી સામાન્ય બની ગઈ છે. લોકોમાં વ્યાપક રોષ છતાં અા પ્રકારના કેસો અટકવાનું નામ લેતા નથી. પોલીસે પણ કડક હાથે કાર્યવાહી કરવાની હવે જરૂર છે. બળાત્કાર જેવા જઘન્ય અપરાધના આરોપીઓ સામે સમાજમાં કેટલો આક્રોશ ભભૂકી રહ્યો છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ એમપીમાં જોવા મળ્યું, જેમાં ગેંગરેપમાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે જાહેરમાં પરેડ કરાવી હતી અને આ દરમિયાન લોકોએ પણ આ આરોપીઓને ફટકાર્યા હતા.ખુલ્લેઆમ છોકરીઓની છેડતી કરતા લોકો પર એમપીની પોલીસ તવાઈ બોલાવી રહી છે, ત્યારે શનિવારે ભોપાલમાં ધોળા દિવસે 21 વર્ષની એક યુવતીને ઉપાડી લઈ જઈ ચાર શખ્સો તેને રુમ પર લઈ ગયા હતા અને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાનો મુખ્ય આરોપી યુવતીનો દોસ્ત હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીનું નામ શૈલેન્દ્ર સિંહ છે, જે એમબીએ સુધી ભણેલો છે અને ભૂતકાળમાં પીડિતા સાથે ભણતો હતો. એમપીમાં છેડતી તેમજ મહિલાઓ પર અત્યાચારના કિસ્સા વધતા સીએમ શિવરાજસિંહ ચૌહાણે પોલીસને આવી ઘટનાઓ પર કાબૂ લેવા તાત્કાલિક પગલાં લેવાની ચેતવણી આપી હતી. 21 વર્ષની પીડિતા બેન્કિંગ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસમાં જતી હતી. શનિવારે સવારે સાડા અગ્યાર વાગ્યાની આસપાસ તે ક્લાસમાંથી છૂટીને બહાર આવી ત્યારે ઘટનાનો મુખ્ય આરોપી શૈલૈન્દ્ર તેની બહાર રાહ જોતો હતો.
યુવતીને શૈલેન્દ્રએ પોતાની બાઈક પર બેસવા કહ્યું, જેનો ઈનકાર કરતા આરોપીએ પીડિતાનો ફોન છિનવી લીધો.પીડિતા શૈલેન્દ્રને પોતાનો ફોન આપવા કગરવા લાગી ત્યારે તેણે તેને બાઈક પર બેસવાની ફરજ પાડી, અને ત્રણ કિલોમીટર દૂર પોતાના એક દોસ્તના રુમ પર તે પીડિતાને લઈ ગયો. અહીં શૈલેન્દ્રના ત્રણ દોસ્તો મોજૂદ હતા. રુમમાં જ પીડિતાને ફટકારવામાં આવી હતી, અને શૈલેન્દ્રએ પોતાના એક દોસ્ત સાથે તેના પર ગેંગરેપ કર્યો હતો.
બપોરે દોઢ વાગ્યે આખરે નરાધમોએ પીડિતાને ઘરે જવા દીધી હતી, અને સાથે જ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત કહેશે તો તેની અને તેના પરિવારજનોની હત્યા કરી દેવાશે. ડરી ગયેલી પીડિતાએ આ વાત મા-બાપને કહ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, અને કલાકોમાં જ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી. તમામની રવિવારે જાહેરમાં પરેડ કરાવાઈ હતી. જ્યાં પોલીસ ઉપરાંત લોકોએ પણ તેમને ફટકાર્યા હતા.