આગામી 24 કલાકમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં ‘ભારે વરસાદ’ થવાની સંભાવના. મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં મુશળધાર વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે NDRF ની ટીમોએ 560થી વધુ લોકોને બચાવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રવિવાર અને સોમવારે વરસાદને કારણે બેસોથી વધુ પશુઓ ધોવાઇ ગયા હતા અને ઘણા મકાનોને નુકસાન થયું હતું.
મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં ‘ભારે વરસાદ’ થવાની સંભાવના છે. મરાઠાવાડા મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે. જ્યાં વરસાદના કારણે ભારે વિનાશ થયો છે. ઔરંગાબાદ, લાતુર, ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલીના આઠ જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે.