ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરનું પ્રમાણ વધી ગયું છે. ૨૪ કલાકમાં જ બે ગુનેગારોને મારવામાં આવ્યા હતા.અને ચાર જિલ્લામાં આશરે સાત જેટલા એન્કાઉન્ટરને અંજામ આપવામા આવ્યો હતો જેમાં બે માર્યા ગયા હતા જ્યારે અન્ય સાત અપરાધીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર સહારનપુર, ગાઝીયાબાદ, ગૌતમ બુદ્ધા નગર અને મુઝફ્ફરનગર જિલ્લામાં કરવામાં આવ્યા હતા જેમાં છ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
ડીઆઇજી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે ગૌતમબુદ્ધાનગરમાં સેક્ટર ૧૧૯માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અહીં એક લાખ રૃપિયાનુ ઇનામ જેમના પર હતું તે સાવન ચૌધરી ઘાયલ થઇ ગયો હતો, જ્યારે તેનો સાથી ભાગી ગયો હતો. તેને સારવાર માટે અહીંની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તે મૌતને ભેટયો હતો. ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર બલવાનસિંહ અને કોન્સ્ટેબલ સત્યવીર તેમજ સંજીવન પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થઇ ગયા હતા.
જ્યારે સહારનપુરમાં સલીમ નામનો ગેંગસ્ટર ઠાર મરાયો હતો. જે દરમિયાન સબ ઇન્સ્પેક્ટર સચીન શર્મા ઘાયલ થઇ ગયા હતા. જે વિસ્તારોમાં આ બન્નેને મારવામાં આવ્યા ત્યાં લુંટના અનેક બનાવોને તેઓએ અંજામ આપ્યો હતો, ફરીયાદો બહુ આવતા પોલીસે ટ્રેપ ગોઠવીને તેમને શોધી કાઢ્યા હતા. જે બે અપરાધીઓ માર્યા ગયા તેમાં સલીમ પર ૨૫૦૦૦ જ્યારે ચૌધરી પર એક લાખનું ઇનામ હતું. દરમિયાન પોલીસે દેશી બનાવટની પીસ્તોલ અને ચાકુ તેમજ પાંચ કાટ્રીજ જપ્ત કરી હતી.