રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે. ઉમરપાડામાં 218 મિમી અને પલસાણામાં 192 મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.