ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે તેમ જ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.રાજ્યમાં અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ થયો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડિસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.