સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમનાએ સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ નિયુક્ત કરાયેલા નવ જજ માટે આયોજિત સન્માન સમારંભમાં ન્યાયતંત્રમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો. સીજેઆઈએ નવી કોરોના ગાઈડલાઈનની વાત કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં હવે ઓફલાઈન સુનાવણીની શક્યતાઓ પર વિચાર કરાઈ રહ્યો છે.કોર્ટ ડૉક્ટરોની સલાહ પ્રમાણે જ કામ કરી રહી છે કારણ કે, કોર્ટ રૂમમાં જજ તો ડાયસ પર પાર્ટિશન પાછળ બેસે છે, પરંતુ વકીલો એકસાથે તેમની સામે આસપાસ રહે છે. અમને જજોથી વધુ વકીલોના આરોગ્ય અને સુરક્ષાની ચિંતા છે. ચીફ જસ્ટિસના શબ્દોમાં જ વાંચો ન્યાયતંત્રમાં મહિલાઓ અંગે તેમના વિચાર.ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અનામત આપવી જોઈએ. તે મહિલાઓનો હક છે અને તેઓ તેના હકદાર પણ છે. હજારો વર્ષોના દમન પછી મહિલાઓને તેમનો અધિકાર આપવાનો સમય આવી ગયો છે. ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 50% હોવું જોઈએ. આ ઉપકાર નથી, પરંતુ તેમનો અધિકાર છે. જોકે, હજુ અનેક પ્રકારના પડકારો આપણી સામે છે, જેમાં મહિલાઓ માટે પાયાના માળખાની અછત, અસીલોની પ્રાથમિકતા, પુરુષોથી ભરેલો કોર્ટરૂમ, મહિલાઓ માટે વૉશરૂમની અછત વગેરે સામેલ છે. હું આ બધી મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ છું.