પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણીમાં થયેલી હિંસાનો મામલો હજી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. ત્યાં પેટાચૂંટણી પહેલા હિંસાની ઘટનાઓ પ્રકાશમાં આવવા લાગી છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે TMCના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રકારના હોબાળા પછી સુરક્ષા કર્મચારીઓએ ભીડમાંથી નીકળીને તેમને તેમની કાર સુધી પહોંચાડ્યા. બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો છે કે મારપીટ કરનારાઓમાં મમતા બેનર્જીનો ભાઈ પણ સામેલ હતો. દિલીપ ઘોષે કહ્યું કે સોમવારે ચૂંટણી પ્રચારના અંતિ દિવસે તે અને સાંસદ અર્જુન સિંહ ભવાનીપુરમાં પ્રિયંકા ટિબરેવાલ માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. તે જાદૂબબુર બજારમાં એક વેક્સિનેશન કેમ્પમાં પહોંચ્યા હતા. આ દરમિયાન TMC કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ સાથે મારપીટ અને ધક્કામુક્કી કરી અને અર્જુન સિંહની વિરુદ્ધ ગો બેકના નારા લગાવ્યા હતા. પ્રિયંકા, મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે ચૂંટણી લડી રહી છે. TMCએ આરોપ લગાવ્યો છે કે દિલીપ ઘોષના બોડીગાર્ડએ ભીડને ડરાવવા માટે પિસ્તોલનો સહારો લીધો.