ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસે કાર્યવાહી કરવા તમામ ધારાસભ્યો અને મંત્રીઓ સમયસર ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી બીજા શરૂ થતા કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાયની માંગ સાથે વિપક્ષે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ વેક્સિન અંગે પણ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું છે. બાદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અઘ્યક્ષ નીમાબેન આચાર્યની ચેમ્બરમાં ગયા હતાં. ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો, જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાધવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. ગૃહમાં વિરોધ પ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યોનું સસ્પેન્સન રદ કર્યું હતું.