પંજાબ નેશનલ બેંક ના કૌભાંડ બાદ હવે IDBI બેન્કનું રૂ.445.32 કરોડ રૂપિયાની ખોટા દસ્તાવેજોના આધારે લોન ફાળવી હોવાનું સામે આવ્યુ. CBIએ IDBI બેન્કમાં ખોટા દસ્તાવેજોના આધારે રૂ.445.32 કરોડની લોન ફાળવવાના આરોપમાં પૂર્વ જનરલ મેનેજર બટ્ટુ રામારાવ સહિત 31 લોકો સામે કેસ દાખલ કર્યો છે. તેમણે બનાવટી દસ્તાવેજોના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ અને મત્સ્ય પાલનના નામે લોન ફાળવી હતી તેવો આરોપ છે.
IDBI બેન્કના પૂર્વ જનરલ મેનેજર બટ્ટુ રામારાવ સામે CBIએ કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે વર્ષ 2009-10, 2010-11 અને 2011-12 દરમિયાન 220 લોકો અને 21 અગ્રેસર એજન્સીઓ દ્વારા 192.98 કરોડ રૂપિયાની લોન ખોટી રીતે આપી છે. પૂર્વ જનરલ મેનેજર બટ્ટુએ બનાવટી દસ્તાવેજોના આધારે લોન ફાળવી હતી. આ લોન નોન-પરફોર્મિંગ એસેટ (NPA) થઇ ગઇ. બનાવટી કાગળો પર ફાળવાયેલી આ લોન 30 સપ્ટેમ્બર 2017ના રોજ રૂ.445.32 કરોડ થઇ હતી. આ લોકો પર આરોપ છે કે આ બધાએ મળીને ખોટી રીતે લોન ફાળવણી કરવામાં મદદ કરી હતી. આ કિસ્સો બશીરાબાગ શાખાનો છે. તે ઉપરાંત પૂર્વ કર્મચારી આર દામોદરન અને અન્ય લોકોએ મળીને આ ફ્રોડ કર્યું હતું. તેની સામે બેન્કના પેનમાં રહેલા વેલ્યુઅર પણ તેમાં સામેલ હતા. FIRમાં એવો આરોપ છે કે જેવી આ લોન સ્વીકૃત થતી હતી કે નાણાં લોન લેનારાના ખાતામાં નાખવામાં આવતા હતા. તે પછી આ નાણાં આરોપીઓના પર્સનલ એકાઉન્ટમાં આવી જતા હતા. આ રીતે જે હેતુથી લોન લેવામાં આવતી હતી તે પૂરો થતો ન હતો.