અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન શાસન આવી ગયું છે અને તાલિબાન સરકાર બન્યા બાદ તેણે પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તો હાલમાં જ એક એવા સમાચાર આવ્યા હતા કે મહિલાઓ પર સ્પોર્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ કોઈથી છૂપી નથી, મહિલાઓ પર દમન ફરી ચાલુ થઈ ગયું છે. પ્રદર્શનકારી મહિલાઓ પર ગોળી ચલાવવા, પ્રેગનેન્ટ મહિલાની હત્યા કરવા જેવી ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બન્યા બાદ ત્યાં મહિલાઓને સરકારમાં ભાગીદારી આપવાને લઈને પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે સ્થાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાના સંદર્ભે દાવો કર્યો છે કે કોઈ પણ મહિલાને ત્યાં મંત્રી બનાવવામાં નહીં આવે. તેમણે માત્ર બાળકોને જન્મ આપવો જોઈએ. સ્થાનિક મીડિયા ટોલો ન્યૂઝે તાલિબાન પ્રવક્તાના સંદર્ભે ટ્વીટ કરીને કહ્યું છે કે એક મહિલા મંત્રી નહીં હોય શકે તે એવું છે જેમ તમે તેના ગળામાં કંઈક નાખો છો જેને તે સંભાળી નથી શકતી. એક મહિલા માટે કેબિનેટમાં હોવું જરૂરી નથી તેમણે માત્ર બાળકોને જન્મ આપવો જોઈએ. મહિલા પ્રદર્શનકારી સંપૂર્ણ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિતત્વ કરતી નથી.