અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસોથી ખાનગી હોસ્પિટલો ઊભરાઈ રહી છે, ૨૦ દિવસમાં શહેરની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ચિકનગુનિયા-ડેન્ગ્યુ સહિતના વિવિધ રોગમાં ૧૭ જેટલા દર્દીનાં મોત થયા છે, અત્યારે પણ ખાનગી હોસ્પિટલોમાં રોજના ૩૦થી ૪૦ કેસ આવી રહ્યા છે, એકંદરે સપ્તાહમાં ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ૧૫૦૦ જેટલા કેસ રોગચાળાના આવી રહ્યા છે.
તેમ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ ર્નિંસગ હોમ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીનું કહેવું છે. એટલું જ નહિ પરંતુ ચિકન ગુનિયાના કેસમાં પહેલી વાર ફેફસાંને લગતી સમસ્યાના કેસ પહેલી વાર જોવા મળ્યા છે, જે ચિંતાજનક બાબત છે. બીજી તરફ સરકારી હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૦, ચિકન ગુનિયાના ૧૦૬ અને હિપેટાઈટિસના ૧૭૦ કેસ આવ્યા છે, જેમાંથી ડેન્ગ્યુમાં ૫૩ બાળકો સામેલ છે.