આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર(સોમવતી અમાસ) રહેલો છે. ત્યારે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી આવ્યા છે. રાજ્યમાં આવેલા શિવ મંદિર બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણના સોમવારનું અનેરું મહત્વ રહેલું છે. જેમા ભગવાની શિવ અને માતા પાર્વતિની પૂજા અર્ચના કરાઈ છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર રહેલો છે ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિનો અનોખો સંયોગ જોવા મળશે.
આ વર્ષે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારના થયો હતો અને મહિનાનો છેલ્લો દિવસ પણ સોમવાર હોવાનો અનેરો સંયોગ સર્જાયેલો છે. આ વર્ષે પવિત્ર શ્રાવણ દરમિયાન શિવભક્તોને ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે પાંચ સોમવારનો લાભ પણ મળ્યો છે. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન અને ખાસ કરીને દર સોમવારના ભક્તોની ભારે ભીડ જામી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં શિવલિંગને વિવિધ શણગાર કરાયો હતો. શિવમંદરોને પણ શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ દૂધ અને બિલિપત્ર સહિતના દ્વવ્યોથી શિવલિંગને અભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.
સોમનાથ મહાદેવ મંદિરમાં શિવને જળાભિષેક કરવાનો તમામ ભાવિકોનો ઈચ્છા હોય છે. તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળી શકાય અને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી શિવજીને જળાભિષેક કરી શકાય એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજથી ભાદરવી અમાસથી ભાવિકોને આ સુવિધાનો પણ લાભ મળી શકશે. સોમનાથમાં ભાવિકને જાણે પોતે જળાભિષેક કરતા હોય અને તેને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા તેવો અનુભવ થશે.