ટ્રાફિક-પોલીસે વાહનચાલકો પાસેથી ડેબિટકાર્ડ અને ક્રેડિટકાર્ડથી દંડ લીધો

ઇ-મેમોની વેબસાઈટ પર મેમો ભરવાનો બાકી હોય તો પોલીસ રોડ પર જ મેમો વસુલ કરે છે.

અમદાવાદ શહેરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહનચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. ત્યારે લોકોએ પણ દંડ નહીં ભરવા પોલીસ સામે અનેક બહાનાં કાઢ્યાં છે. પરંતુ આ વખતે આવા બહાનાને સાંભળ્યા વિના પોલીસે ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને થયેલા દંડની રકમને ટ્રાફિક- પોલીસે વસૂલવાનું શરૂ કર્યું છે. પોલીસ સ્થળ પર જ વાહનચાલકને રોકડ રકમનો દંડ વસૂલે છે. એ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ થકી પણ દંડ વસૂલાઈ રહ્યો છે. ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં કુલ 26 પોલીસકર્મીના સ્ટાફની સ્ક્વોડ રોડ પર જે વાહનચાલક આવે તેને રોકી ઓનલાઇન તેમનો વાહનનંબર ઈ-ચલણ પેમેન્ટ વેબસાઈટ પર જોઈને જો મેમોની રકમ બાકી હોય તો સ્થળ પર જ વસૂલ કરે છે અથવા ઓનલાઇન પેમેન્ટ કરાવે છે.

ટ્રાફિક ASI જે.વી. પટેલે જણાવ્યું હતું કે વાહનચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાકને પાંચ-પાંચ મેમા ભરવાના બાકી હોય છે, જેની સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં આવે છે. જો કોઈ વાહનચાલક એમ કહે કે પૈસા રોકડા નથી અને ઓનલાઇન પેમેન્ટ કરવા માગે તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરી શકે છે. રોજના 30 જેટલા મેમા બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *