અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે હવે સવારની OPDની સાથે બપોરની OPD પણ આગામી સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળતા સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે “અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે OPDની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુની સંખ્યા રહેતી હોય છે. હવે સોમવારથી સવારની સાથે સાથે જ બપોરની OPD પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે.જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં હોવાથી અને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો.