બિહારના નાલંદા જિલ્લાના જલાલપુરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે, આસપાસના ઘણા ઘરો ધ્વસ્ત થઈ ગયા હતા.આ ઘટનામાં 5 વ્યક્તિઓ બળીને ભડથું થઈ ગયાં છે.
આગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની પણ શક્યતા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત કાર્ય ચાલુ છે.
મળેલ માહિતી અનુસાર, નાલંદા જિલ્લાના સોહસરાય પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખાસગંજ મહોલ્લામાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે મો. રાજાના ઘરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના ત્રણ ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનામાં 18થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ દૂર્ઘટના પછી સંપૂર્ણ વિસ્તારમાં ભય નો માહોલ સર્જાય ગયો હતો. ઘટનાસ્થળ પર તાત્કાલીક ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યા છે.
આ દૂર્ઘટનાનાં કારણે ફરી એક વાર પ્રશાસનની લાપરવાહી સામે આવી છે. જો ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી તો તેની ખબર પોલીસ સુધી કેમ ના પહોંચી?