વઢવાણના પ્રકૃતિપ્રેમી યુવાનોનું અનોખુ કાર્ય

હાલ ચોમાસાનું વાતાવરણ જામી રહ્યુ છે. જોકે, પ્રથમ વરસાદ બાદ લોકોને બફારો પણ અનુભવાય રહ્યો છે. તો સાથે જ જમીનમાં રહેતા જીવજંતુઓ ગરમી અને બફારાના કારણે બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ 57 પ્રકારના સર્પોની પ્રજાતિ જોવા મળે છે, અને તેમાં 4 પ્રજાતિના સાપ ખૂબ જ ઝેરી હોય છે. વઢવાણમાં આવેલ શાકમાર્કેટમાં સાંપ નીકળતા લોકોમાં અફરાતફરી મચી હતી, ત્યારે વર્ષોથી પ્રકૃતિ પ્રેમી અને સાપના રક્ષણ માટે કામ કરતા હિતેન્દ્રસિંહ મોરી અને તેમની ટીમને જાણ થતાં તેઓ શાક માર્કેટ પહોંચી સાપનું રેસક્યું કર્યું હતું.

જ્યારે હિતેન્દ્રસિંહ સાપોની પ્રજાતિના જાણકાર હોય, ત્યારે તેઓએ રૂપસુંદરી નામના સાપ તરીકે ઓળખ આપી હતી.આ સાપની સામાન્ય લંબાઈ 3થી 4 ફૂટ સુધીની હોય છે, જ્યારે વઢવાણ શાકમાર્કેટમાંથી પકડાયેલ રૂપસુંદરી સાપની લંબાઈ 5.7 ઇચ છે. જે રૂપસુંદરી સાપની પ્રજાતિમાં સૌથી વધુ મોટી હોવાનું જાણવા મળી રહ્યું છે. સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે, રૂપસુંદરી પ્રજાતિના સાપની સૌથી વધુ લંબાઈ 5.5 ફુટનો રેકોર્ડ છે, જ્યારે આ સાપની 5 ફૂટ 7 ઇચ લંબાઈ છે. આ પ્રજાતિમાં દેશનો સૌથી વધુ લાંબો સાપ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *