વડોદરા ખાતે દૂધના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં ટીમ રિવોલ્યુશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સંચાલક સ્વેજલ વ્યાસની પોલીસે અટકાયત કરી હતી. મહત્વનુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ફોટો બતાવી મફતમાં 10 થેલી દૂધ લઈ જનારા વ્યક્તિએ જ પોલીસને આ અંગે ફરિયાદી કરી હતી.
દૂધના ભાવ વધારા સામે વિરોધ કરવા ટીમ રિવોલ્યુશન દ્વારા રવિવારે ગોરવા આઈટીઆઈ ખાતે મફત દુધ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યો અને કોર્પોરેટર સાથેનો સેલ્ફી ફોટો બતાવીને 10 થી 2 થેલી સુધી લઈ જવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં 3300 લોકોએ દુધ મફત મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને 10 થેલી દુધ લઈ જનારા જીગ્નેશ નાયકે ગોરવા પોલીસ સ્ટેશનમાં પહોચી ટીમ રિવોલ્યુશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાથી કાર્યવાહી કરવા લેખીતમાં અરજી કરી હતી.
જેને પગલે કાર્યક્રમમાં સ્થળ પર હાજર ગોરવા પોલીસે 24 કલાક બાદ સંસ્થાના સંચાલક સ્વેજલ વ્યાસ સહિતના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે સ્થળ પર ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રખાયું હતું. તેમજ પોલીસ બંદોબસ્ત પણ હતો. ફરિયાદ ખોટી હોવાથી તેને રદ કરવી જોઈએ.