માનુનીના સૌંદર્યમાં સુંદર ચહેરા જેટલું જ મહત્ત્વ આકર્ષક ગરદનનું પણ છે. જો તમારો ચહેરો ગોળમટોળ હશે તો તે સુંદર લાગશે. પરંતુ તેની સાથે તમારી ગરદન પર ચરબી જામેલી હશે તો કેવું લાગશે? વાસ્તવમાં ચરબીથી લચી પડેલી ગરદન ડબલ ચીન જેવી લાગે છે.
અને તે કોઈપણ આકારના ચહેરાના સૌંદર્યને હણી નાખે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તેમાંથી છૂટકારો મેળવવા કેટલીક સાવ સહેલી કસરતો અજમાવો. સૌંદર્ય નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે ગરદન-માથાને પાછળની તરફ લઈ જાઓ.
હવે મોઢામાં હવા ભરીને તે બહાર ફેંકો. આમ કરવાથી ચહેરા અને ગરદનની માંસપેશીઓ સક્રિય થાય છે. આ પ્રક્રિયા ૧૦થી ૨૦ સેકન્ડ સુધી કર્યા પછી ગરદન ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં લઈ આવો.
નીચેના હોઠને ઉપરની તરફ ખેંચો અને તેની સાથે નીચેના જડબાને બહાર તરફ લઈ જાઓ. આમ કરવાથી ચહેરાની માંસપેશીઓ ઉપર તરફ ખેંચાશે તેથી ગરદનની ચરબી ઓછી થશે.
અન્ય એક એક્સસાઈઝમાં તમારા હોઠ અને ગાલને અંદરની તરફ ખેંચી રાખો. તેનાથી ચહેરાની માંસપેશીઓ મજબૂત બનવાથી ઝટ લચી નથી પડતી. આ પ્રક્રિયા પાંચથી ૧૦ સેકન્ડ માટે કરો.
એક બોલ લઈને તેને હડપચી નીચે પકડો. હવે હડપચીની બોલ પર દબાણ આપો અને નીચે તરફથી બોલને ઉપરની બાજુ દબાવો. આ પ્રક્રિયા વીસેક વખત કરી શકાય.
ગરદન પર જામેલી ચરબી ઓછી કરવા દરરોજ અડદો કલાક ચ્યુઇંગમ ચાવો. તેને કારણે ગરદનની ચારેકોર જમા થયેલી ચરબી ઓછી થવા લાગશે. દિવસમાં બેથી ત્રણ વખત ચ્યુઇંગમ ચાવી શકાય.
આ પ્રકારની એક્સસાઈઝ કરીને તમે ગરદનને સુંદર બનાવી લાંબા વર્ષો સુધી યુવાન દેખાઈ શકો છો. શરત માત્ર એટલી કે ઉતાવળા કે અધીરા થઈને કસરત અદવચ્ચે છોડી દેવાને બદલે ધાર્યું પરિણામ મળે ત્યાં સુધી તે જારી રાખો.