સરકાર માટે રફાલ વિમાન સોદો ફરી માથાનો દુઃખાવો બને એવા અણસાર છે. ફ્રાન્સની કંપની દસોં એવિએશન અને ભારત સરકાર વચ્ચેના રફાલ સોદામાં કટકી ખવાઈ હોવાના આક્ષેપ રાહુલ ગાંધી લાંબા સમયથી કરે છે. સરકાર તેનો ઈન્કાર કરે છે અને ભારતમાં સુપ્રીમ કોર્ટ પણ સરકારને ક્લીન ચીટ આપી ચૂકી છે
પણ ફ્રાન્સમાં તપાસ શરૂ થતાં સરકારમાં ઉચાટ છે.આ સોદામાં થયેલા કહેવાતા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપોની તપાસ કરવા ફ્રાન્સ સરકારે જજની નિમણૂક કરી દીધી છે. ફ્રાન્સમાં નાણાંકીય ગેરરીતિઓની તપાસ કરવા માટે ફ્રેંચ પબ્લિક પ્રોસીક્યુશન સર્વિસ છે અને તેના દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાતાં એમ્યુનલ મૈક્રોં સરકારે તપાસ શરૂ કરી છે.
આ સોદો થયો ત્યારે ફ્રાન્સિસ ઓલાંદે પ્રમુખ હતા જ્યારે મૈંક્રોં નાણાં મંત્રી હતા એ બાબત મહત્વની છે.ફ્રાન્સની તપાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવશે તો તેને રેલો ભારત સુધી પહોંચશે જ. રફાલ મુદ્દો ફરી ચગે તો સરકાર માટે મુશ્કેલી સર્જાવાની પૂરી શક્યતા છે.