હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લાના પછડ વિસ્તારનાં બાગ પશોગ ગામ નજીક સોમવારે મોટો અકસ્માત થયો છે. એક બોલેરો કાર ખાડામાં પડી જતા 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે લોકો ઘાયલ થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમએનઆરએફ તરફથી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50,000 રૂપિયાનું આર્થિક મદદની ઘોષણા કરી છે.આ બધા લોકો જાન લઇને બકરાસ જઈ રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોટાભાગના મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ 10 લાશને ખાડામાંથી બહાર કાઢવામાં આવી છે.
પોલીસ હાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.પોલીસનું કહેવું છે કે મોટાભાગના યુવકો જીપમાં હતા અને પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે હાઇ સ્પીડને કારણે ડ્રાઇવરે જીપ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે, પાંવટા સાહેબના ડીએસપી વીર બહાદુરના જણાવ્યા અનુસાર, 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, હજી સુધી જીપમાં કેટલા લોકો હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી.