એપ્રિલમાં કોરોના મહામારીને કારણે મોકૂફ રખાયેલી માહિતી ખાતાની વર્ગ 1-2 અને 3ની પ્રિલિમ્સ પરીક્ષા રવિવારે રાજકોટ સહિત રાજ્યભરમાં લેવામાં આવી હતી. રાજકોટમાં લાલપરી તળાવ પાસે આવેલી એચ.એન શુક્લા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું.
પરીક્ષા કેન્દ્રમાં કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ કરાયો હોય એમ વિદ્યાર્થીઓનું ન થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું કે ન સેનિટાઈઝ કરાયું હતું. સવારના સેશનમાં ક્લાસ 1 અને 2ના પેપરમાં તો એક બેંચમાં બે-બે વિદ્યાર્થીઓબેસાડ્યા હતા.
રવિવારે પણ જે વિદ્યાર્થીઓએ પૂરતી તૈયારી કરી ન હતી તેઓ પરીક્ષા દેવા આવ્યા ન હતા. આ ઉપરાંત બહારગામના પણ ઘણા વિદ્યાર્થીઓ રાજકોટ પરીક્ષા આપવા આવ્યા ન હતા. સવારના સેશનમાં 30 ટકા અને બપોરના સેશનમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
પરીક્ષા શરૂ થઇ ગઈ ત્યાં સુધી નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નહીં કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. ક્લાસ 1 અને 2નું પેપર પ્રમાણમાં મધ્યમ નીકળ્યું હતું જ્યારે ક્લાસ-3નું પેપર સરળ રહ્યું હતું. એકંદરે વર્ગ 1-2નું પેપર મધ્યમ કક્ષાનું અને વર્ગ-3નું પેપર પ્રમાણમાં સરળ નીકળ્યું હતું.