અમદાવાદથી શુક્રવારે સવારે 9.10 વાગે 220 પેસેન્જર સાથે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 823 બેંગલુરુ જવા રવાના થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ રહી હતી ત્યારે જ પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું.
બર્ડહિટ થતાં ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી બાજુ, બર્ડહિટ થતાં થયેલા જોરદાર ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. પાયલોટે ફ્લાઇટની સ્પીડ કંટ્રોલ કરી લેન્ડિંગ કરાવી હતી.
આ ઘટનામાં એરક્રાફ્ટની બ્લેડ તૂટી ગઈ હતી. ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટને બર્ડહિટ બાદ એરલાઇને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જે બપોરે 12.30એ ઊપડી હતી.
આ ધડાકો જોરદાર હોવાથી એના એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો. બીજી બાજુ, બર્ડહિટ બાદ ફ્લાઈટને પરત લાવ્યા બાદ પેસેન્જરોને ઉતારી ટર્મિનલમાં પાછા લઈ જવાયા હતા.
ત્યાર બાદ એરલાઈન્સના એન્જિનિયરો દ્વારા એરક્રાફ્ટની તપાસ કરવામાં આવતાં એના એન્જિનની બ્લેડ તૂટી ગયા હોવાની સાથે એરક્રાફ્ટને વધુ નુકસાન થયું હોવાથી એને ગ્રાઉન્ડેડ કરી દેવાયું હતું.