શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે.
શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજીત વસ્તી 42 લાખ છે, તે પૈકી 22.50 લાખ એટલે કે, 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ એટલે કે, 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરૂઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપિલ કરી છે.
ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, સરખેજ અને અસારવામાં મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે. મ્યુનિ.ના આંકડા પ્રમાણે આ છ વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18થી મોટા આશરે 2.10 લાખને વેક્સિન અપાઈ છે.
આ વિસ્તારોના કેટલાં લોકોએ વેક્સિન લીધી છે તેનો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ હોવાનું મ્યુનિ. અધિકારીએ જણાવ્યું છે.
આ છ વિસ્તારોમાં 18થી ઉપરના આશરે 4.14 લાખ લોકો વસે છે. આ વિસ્તારના વેક્સિનેશન સેન્ટરો પર મોટાભાગે બહારના લોકોએ વેક્સિન લીધી છે તેથી આ સેન્ટરોનો આંકડો ઉંચો આવે છે.