અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નહિ હોવાથી મહિલાઓ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે અંકલેશ્વરની વિવિધ સોસાયટીઓ તેમજ વિસ્તારોમાંથી ગટરો ઉભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે.
વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાતી હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભિતિ સેવાઇ રહી છે.
ગટરના પાણી રસ્તા પર વહી રહયાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં મહિલાઓએ મોરચો લઇ નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી.
જયાં તેમણે સમસ્યા બાબતે પાલિકા પ્રમુખ વિનય વસાવાને રજુઆત કરી હતી. પાલિકા પ્રમુખે સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે મહિલાઓને ખાતરી આપી હતી.