આધુનિક ચિકિત્સાશાસ્ત્રના મતે ‘ચક્કર આવવા’ એ મોટાભાગે અન્ય કોઈ રોગના લક્ષણ રૂપે જોવામાં આવે છે.
હાઈ બ્લડપ્રેશર, કમળો, મગજના કેટલાક રોગો, કાનની પાછળના હાડકાની વિકૃતિ, અશક્તિ, રક્તાલ્પતા વગેરે જેવા રોગોમાં ચક્કર આવવા તે મુખ્ય લક્ષણ ગણાવાય છે.
એ જ પ્રમાણે આયુર્વેદમાં પણ ચક્કર આવવા એ કેટલાક રોગોમાં એક લક્ષણ તરીકે ગણાવાયું હોવા છતાં તેનો એક સ્વતંત્ર વ્યાધિ તરીકે પણ ઉલ્લેખ કરીને તેનાં કારણો અને ઉપચાર દર્શાવાયાં છે.
ચક્કર આવવાની તકલીફને આયુર્વેદમાં ‘ભ્રમ’ કહેવામાં આવે છે. ભ્રમના રોગીને માથું ચકરાતું હોય એવી અનુભૂતિ થાય છે.
જો આ ભ્રમ અથવા ચક્કરનું પ્રમાણ વધારે હોય તો ઘણીવાર દર્દી પડી જાય છે અને બેભાન પણ થઈ શકે છે.
આયુર્વેદીય મતે ભ્રમ અથવા ચક્કર રોગમાં માનસિક દોષ ‘રજ’ અને ‘તમ’ તથા શારીરિક દોષ ‘વાયુ’ અને ‘પિત્ત’ અગત્યનો ભાગ ભજવે છે.
શરીરમાં વાયુ અને પિત્તના પ્રકોપ વગર ભ્રમ એટલે કે ચક્કર આવવા એ શક્ય નથી.
મૂર્છા, ભ્રમ અને તંદ્રા આ ત્રણેયમાં આયુર્વેદીય મતે થોડું અંતર છે.
તમો ગુણ અને પિત્તથી મૂર્છાની ઉત્પત્તિ થાય છે.
તમો ગુણ, વાયુ અને કફથી તંદ્રાની ઉત્પત્તિ થાય છે તથા મુખ્ય રજો ગુણ, વાયુ ને પિત્તના પ્રકોપથી ભ્રમ-ચક્કરની ઉત્પત્તિ થાય છે.
આધુનિક મતે ભ્રમ અથવા ચક્કરને ‘ર્વિટગો’ કે ‘ગીડીનેસ’ કહેવામાં આવે છે તથા હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડપ્રેશરમાં ચક્કર આવવા એ એક મુખ્ય લક્ષણ ગણાવાય છે.
તેમજ આ ચક્કર આવવાની પાછળનાં મૂળભૂત કારણોમાં ટેન્શન, ગુસ્સો, ભય, ઉદ્વેગ, અભાવ, વિષાદ, નિરાશા, ઈર્ષ્યા જેવાં માનસિક કારણોનો સમાવેશ કરવામાં આવે છે.
જ્યારે આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં તો તેના માટે પ્રથમથી જ મનના રજસ અને તમસ દોષને કારણભૂત ગણેલા છે.
ચીડિયો કે ઉગ્ર સ્વભાવ અથવા અત્યંત સેન્સિટિવ સ્વભાવવાળી વ્યક્તિઓને આ તકલીફ થતા વાર લાગતી નથી.
લક્ષણો
ભ્રમ રોગમાં દર્દીને વારંવાર ચક્કર આવવાથી પડી જાય છે, પરંતુ તે ભાન ગુમાવતો નથી.
જ્યારે મૂર્છામાં વ્યક્તિ બેભાન થઈને અચાનક (કાષ્ટવત-લાકડી પડે તેમ) પડી જાય છે.
ચક્કરના લીધે બધી વસ્તુ ફરતી હોય એવું લાગે છે. જ્યારે તંદ્રામાં તો અર્ધનિદ્રાવસ્થા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આયુર્વેદીય રીતે મૂર્છા, ભ્રમ અને તંદ્રા રોગોના ઉપચારમાં ઘણી સમાનતા જોવા મળે છે.
ભ્રમ રોગના દર્દીને ચક્કર આવવા, મોઢામાં લાળ પડવી, હૃદયના ધબકારા તીવ્ર થઈ જવા, ઓછું સંભળાવું, સંપૂર્ણ બેભાન અવસ્થા નહીં, પરંતુ થોડી મૂર્છા જેવું લાગવું, ઊબકા, ઉલટીઓ થવી, જીવ ચૂંથાવો, લડખડાતી ચાલ થવી, થોડો પરસેવો આવી જવો, બેચેની વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.
ભ્રમ એટલે કે ચક્કરના રોગમાં તેને ઉત્પન્ન કરતાં કારણોને જાણ્યા પછી ઉપચાર કરવામાં આવે તો મૂળગામી પરિણામ મેળવી શકાય છે.
વાયુથી આવતા ચક્કર એકાદ મિનિટ જેટલા અને થોડી થોડી વારે આવે છે. કફથી આવતા ચક્કર સતત અને માથું જકડી દેનાર હોય છે.
વાયુ, પિત્ત અને કફ (શારીરિક દોષ) તથા રજ અને તમ (માનસિક દોષ)માંથી જે દોષને લીધે ચક્કર આવતા હોય તે દોષને ધ્યાનમાં રાખીને ઉચિત ઔષધોપચાર સાથે પરેજી પ્રયોજવામાં આવે તો રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે.
સામાન્ય રીતે ચક્કરમાં અશ્વગંધારિષ્ટ, યોગેન્દ્ર રસ, ચંદ્રકલા રસ, કલ્યાણ ઘૃત, ગળો સત્ત્વ, પ્રવાલપિષ્ટિ, સૂતશેખર રસ, આરોગ્યર્વિધની, સારસ્વતારિષ્ટ, વસંતમાલતી રસ, ચંદ્રાવલેહ, રસસિંદૂર, શતાવર્યાદિ યોગ, ગુલકંદ વગેરે ઔષધો
અમે દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિ, દોષ, દુષ્ય, ઉંમર, રોગનો પ્રકાર, દર્દી અને રોગનું બળાબળ, સત્ત્વ અને સાત્મ્ય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આપીએ છીએ. આસપાસના નિષ્ણાત અને ક્વોલિફાઈડ વૈદ્યની સલાહ પણ લઈ શકાય.