ગુજરાતમાં અફવા ફેલાવનાર તેમજ મોબ લીન્ચિંગ સામે કડક કાર્યવાહી કરાશે: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત રાજ્યમાં સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર સામે લાલ આંખ કરતા રાજ્ય સરકાર ધ્વારા અફવાઓ ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મોબ લીન્ચિંગ (ટોળાશાહી ) સામે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસને સુચના આપવામાં આવી છે.ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ પ્રેજન્ટેશન નિહાળી ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ છેલ્લા ૭ મહિનામાં આ બીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સ બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે બની રહે તે માટે સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવનાર સામે ઇન્ડિયન પીનલ કોડ સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધી તપાસના આદેશ પણ આપાયા છે. રાજ્યના ૩૩ જિલ્લા અને મહાનગરોમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે CCTV લગાવવાની જાહેરાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, નશાબંધી અને ગૌહત્યા પ્રતિબંધના કાયદાનો કડક અમલ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *