રાજપથ ક્લબને પાર્કિગના મુદ્દે સીલ કર્યા બાદ ક્લબના હોદ્દેદારોએ મેમ્બરોને ક્લબના પાછળના ગેટથી એન્ટ્રી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ક્લબમાં સવારથી સભ્યોને વાહનો પાર્કિગમાં પાર્ક કરવા જણાવામાં આવી રહ્યું છે. જેની સામે ક્લબના સભ્યોએ પણ ક્લબ હોદેદારોને સહકાર આપી રહ્યાં છે. ક્લબ પરિસરમાં એનાઉન્સમેનન્ટ સિસ્ટમ, સિક્યુરિટી, વેલે પાર્કિગ અને મેગા ગેટથી ક્લબમાં એન્ટ્રી જેવા નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
રાજપથ ક્લબમાં ગેરકાયદે બાંધકામ અને રોડ ઉપર પાર્કિંગના મામલે મ્યુનિ.તંત્ર દ્વારા રાજપથ ક્લબને સીલ કરવામાં આવી હતી. સીલ કરાયા બાદ ક્લબના હોદેદારો સભ્યો પાસે નિયમનો કડક પણે અમલ કરાવી રહ્યાં છે. ક્લબ દ્વારા પણ મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ક્લબની બહાર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાત ક્લબની દિવાલો પર નો પાર્કિગના બોર્ડ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવી દેવામાં આવ્યા છે. દિવસ દરમિયાન ક્લબના સભ્યોને એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લગાતાર પાર્કિગ મુદ્દે સૂચનો કરવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત ક્લબમાં એન્ટ્રી માટે મેગા ગેટ પરથી એન્ટ્રી લેવા સૂચનો કરવામાં આવે છે. ક્લબની તમામ એન્ટ્રીઓ પહેલાની જેમ ખુલ્લી છે પરંતુ કોઇ મેમ્બર આગળના ગેટ પર કાર લઇને આવે તો તેમના માટે વોલેટ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ સભ્ય રોડ પર વાહન પાર્ક ન કરે તે માટે ક્લબના હોદ્દેદારોએ પૂરતી તકેદારી રાખી છે. હાઇકોર્ટના આદેશને પગલે સોમવારે પોલીસે પાર્કિંગ મુદ્દે ક્લબને સીલ મારી દીધા પછી ક્લબના હોદ્દેદારોએ મ્યુનિસિપલ કમિશનરથી માંડી ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. ક્લબે પાર્કિંગ અંગે બાંયધરી આપ્યા પછી મંગળવારે રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ ખોલ્યું હતું.
નવી રાજપથ 100 કરોડના ખર્ચે વાયણા ગામે 110 વિઘામાં બનશે
રાજપથ ક્લબના 14 હજાર મેમ્બર માટે રિંગ રોડથી થોળના રસ્તે આવતા વાયણા ગામમાં આશરે 110 વિઘા જમીનમાં નવી ક્લબ બનાવશે. જે હાલ કરતા પાંચ ગણી મોટી જગ્યામાં બનશે. હાલમાં રાજપથ ક્લબ 65 હજાર વારની જગ્યામાં ફેલાયેલી છે જેની સામે નવી ક્લબ 3 લાખ વાર જગ્યામાં બનશે.નવી ક્લબમાં સ્પોર્ટસ એક્ટિવિટી પર વધુ ફોક્સ રાખી શકાય તે માટે વધારે જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવી ક્લબનું સ્થળ એસજી હાઈવેથી લગભગ 10થી 15 કિલોમીટર છે. ક્લબમાં ગોલ્ફ કોર્સ અને રિસોર્ટ પણ બનાવાશે. ક્લબ માટે અંદાજે 100 કરોડનો ખર્ચ થશે. ક્લબમાં પાર્કિંગ માટે કેટલી જગ્યા રાખવી તેનો પ્લાન હજુ નક્કી થયો નથી.