ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની નિયુક્તિને લઈને વિવાદ થયો છે
ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની ભરતીનો મુદ્દો આજકાલ નેપાળમાં ચર્ચામાં છે.
આવું કાઠમંડુસ્થિત ભારતીય દૂતાવાસના વેલફેર બ્રાન્ચની એક માહિતી સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી થયું છે.
બાદમાં આ માહિતી ઑનલાઇન મીડિયામાં પણ ઘણી જગ્યાએ આવી ગઈ. નેપાળના નેતાઓ અને જાણકારોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
જોકે ભારતીય સેનાએ બાદમાં સુધારો કરીને કહ્યું કે આ નોકરીઓ નેપાળી મહિલાઓ માટે નથી.
ભારતીય સેનાએ 28 મેના રોજ 100 મહિલા સૈનિકોની ભરતીની જાહેરાત કરી.
આ માહિતી ભારતીય સેનાના જૉઇન્ટ ઇન્ડિયન આર્મી વેબસાઇટ પર ચાર જૂને મૂકવામાં આવી.
તેમાં શૈક્ષણિક પાત્રતાની કૉલમમાં લખ્યું કે બધા ગોરખા (નેપાળી અને ભારતીય) માટે 10મું પાસ હોવું જરૂરી છે.
ભરતીસંબંધી નોટિસનું વિવરણ જોતાં ખ્યાલ આવે કે 10મું પાસ નેપાળી મહિલાની નિયુક્તિ પણ ભારતીય સેનામાં થઈ શકે છે.
આ જાહેરાત નેપાળમાં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેને નેપાળી ભાષામાં અનુવાદ કરીને સોશિયલ મીડિયામાં શૅર કરી દેવાઈ.
