સીબીએસઇ અને સીઆઇસીએસઇ પરીક્ષાઓને લઇને દાખલ અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. સુનાવણી વેળાએ ન્યાયાધીશ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયાધીશ દિનેશ મહેશ્વરીની બેંચે કહ્યું કે બન્ને બોર્ડના ક્રાઇટેરિયા એક સમાન હોવા જોઇએ.
એટલુ જ નહીં પરિણામોની જાહેરાત પણ એક સાથે જ થવી જોઇએ. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ અને સીઆઇએસસીઇ દ્વારા પ્રસ્તુસ કરાયેલા ક્રાઇટેરિયાને સ્વિકારી લેવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓને લઇને સ્પષ્ટતા માગી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ કંપાર્ટમેન્ટ પરીક્ષાઓ રદ કરવાની માગણી કરતી ૧૧૫૨ વિદ્યાર્થીઓની અરજી પર પણ સુનાવણી કરવામાં આવી હતી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મામલે પણ સુનાવણી કરી હતી. આ મામલાઓ પર સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્યોએ પરીક્ષાઓ રદ કરી કે કેમ તે અંગેની જાણકારી આપી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની સુનાવણી આગામી ૨૨મી જુન સુધી મુલતવી રાખી હતી.