કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. પુણેની બીજે મેડિકલ કોલેજના એક રિસર્ચ મુજબ બાળકોને અપાતી Measles Vaccine કોરોના વિરુદ્ધ તેમની સુરક્ષામાં કારગર સાબિત થઈ રહી છે.
સ્ટડીમાં એ વાત સામે આવી છે કે આ રસી બાળકોમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ શરૂઆતી સુરક્ષા આપે છે. આ સ્ટડીમાં એક વર્ષથી લઈને 17 વર્ષ સુધીના 548 બાળકોને સામેલ કરાયા હતા. સ્ટડીમાં બાળકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રુપ કોરોના સંક્રમિત (RT-PCR ટેસ્ટ) બાળકો અને બીજુ ગ્રુપ સામાન્ય બાળકોનું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે Measles વાળી રસી SARS-Co-V-2 વિરુદ્ધ 87 ટકા સુધી અસરકારક રહી.
આ સાથે જ જે બાળકોને Measles રસી અપાયેલી હતી તેમનામાં કોરોના સંક્રમણની આશંકા રસી ન લેનારા બાળકોની સરખામણીએ ઓછી રહી. પુણેના આ રિસર્ચથી એ ધારણાને બળ મળ્યું છે જેમાં કહેવાય છે કે બાળકો કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ વધુ સુરક્ષિત છે કારણ કે તેમને Measles અને બીસીજી રસીનો ડોઝ લાગ્યા બાદ નોન સ્પેસિફિક ઈમ્યુનિટી તેમનામાં હાજર છે. Measles રસી છેલ્લા 36 વર્ષથી ભારતમાં રસીકરણ કાર્યક્રમનો ભાગ બનેલી છે.