કોરોનાના કહેર વચ્ચે શૈક્ષણિક કાર્યની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફીમાં માફી આપવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ આંદોલનના મંડાણ કર્યા છે.રાજયમાં શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હોવાથી સંચાલકો વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરી રહયાં છે.
કોરોનાની મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડી હોવાથી ફીમાં માફી આપવાની માંગ એનએસયુઆઇએ કરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા માફી અને કોરોનામાં જે અનાથ બની ગયાં છે તેવા છાત્રોની સંપુર્ણ ફી માફ કરવાની માંગણી કરવામાં આવી છે.એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરોએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા માટે પણ થયાં હતાં પણ વાઇસ ચાન્સેલર કેબીનમાં હાજર નહિ હોવાથી તેઓ રાષે ભરાયાં હતાં.
આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે ABVPનો કાર્યક્રમ હોય તો હાજર રહે છે પરંતુ NSUIના કાર્યક્રમમાં હાજર નહિ રહી તેવો અન્યાયી રીતે વર્તન કરી રહયાં છે. ફી માફીના મુદ્દે એનએસયુઆઇ ઘણા સમયથી આંદોલન ચલાવી રહી છે. આજના કાર્યક્રમને અનુલક્ષી યુનિવર્સીટીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં.