અમદાવાદમાં મોબાઈલ એપ્સ દ્વારા ગેમ રમાડી નફો થાય તેમાંથી પ્રતિદિવસ 1 ટકા રિટર્ન ઓફ ઈન્વેસમેન્ટની લાલચ આપતી કંપનીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી 2 આરોપીની યુપીથી ધરપકડ કરી છે.
જેમાં આરોપીઓ લોકો પાસેથી રોકાણ કરાવીને રાતોરાત ઓફિસ બંધ કરીને ભાગી જતા આ મામલો બહાર આવ્યો છે.ચાંદખેડા વિસ્તારમાં પોન્જી સ્કીમ ચલાવતા અને છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપી સદ્દામ હુસૈન મન્સૂરી અને ધરમપાલસિંહ રાઠોડે ચાંદખેડા વિસ્તારમાં મેગ્નેટા એન્ટરટેઇનમેન્ટ નામની ઓફિસ શરૂ કરી હતી. જ્યાં લોકોને ઓનલાઈન ગેમ્સમાં ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરાવી અને રોજનું 1 ટકા લેખે રિટર્ન આપવાની લાલચ આપવામાં આવી હતી, ત્યારે આ ભેજાબાજો લાખો રૂપિયા પડાવી ફરાર થઈ જતાં વર્ષ 2020માં ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.