ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાતા શંકરસિંહ બાપુએ આજે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ મૂકયો હતો. મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાતા 2019ની લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ગયો હતો. તેમજ હવે બાપુ ભાજપમાં જોડાશે તેવી પણ એક ચર્ચા વહેતી થઇ હતી. આ બધાની વચ્ચે શંકરસિંહ બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહેન્દ્રસિંહે આ અંગે મને કંઇ જ પૂછયું નહોતું. તેઓએ કહ્યું કે જો એક સપ્તાહમાં મહેન્દ્ર સિંહ ખેસ નહીં ઉતારે તો સંબંધ પૂર્ણ થઇ જશે.
બાપુએ વધુમાં કહ્યું કે રાજકારણમાં પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. છતાંય તાત્કાલિક નિર્ણય ન લેવો જોઈએ. કોઈપણ પક્ષમાં બધાને સાથે લઈને જવાય. તેમનો દીકરો ભાજપમાં જોડાયો તેના માટે દબાણ હોઇ શકે છે. હું કોઇ ઇડી કે સીબીઆઈથી ડરતો નથી. હું કોઈપણ પક્ષમાં રહીશ પ્રજાનું અહિત નથી કર્યું.
રાજકારણમાંથી સંન્યાસની વાતો કરનાર બાપુએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા હું સક્રિય થઈશ. મેં કોંગ્રેસ છોડી ત્યારે કાર્યકરોની આંખમાં આંસુ હતા. મેં કયારેય મારા સ્વાર્થ માટે સોદાબાજી કરી નથી. હું એનસીપીના આગેવાનો અને માયાવતીને પણ મળ્યો છું. આ બધાની વચ્ચે બાપુએ મજાકમાં કહ્યું કે આપણે તો ઓફર આપવાવાળા છીએ. હાલ તો હું કોઇના પ્રચારમાં જોડાયો નથી.
કહેવાય છે કે મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. તેમને હાલના સાંસદ દીપસિંહ રાઠોડની જગ્યાએ ટિકિટ આપશે. આ અંગે અમિત શાહે શંકરસિંહ વાઘેલાને વચન આપ્યું છે અને મહેન્દ્રસિંહે કમિટમેન્ટ સાથે જ બીજેપમાં પ્રવેશ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્રસિંહને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક ભાજપી નેતાઓ હાજર રહ્યા હતા. આ અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. ભાજપ મહેન્દ્રસિંહને લોકસભાની ચૂંટણી લડાવે એવી પણ સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહે ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.