ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાઈ નથી પરંતુ શિક્ષણબોર્ડે જે પદ્ધતિ પ્રમાણે માર્ક મૂકવાની જાહેરાત કરી છે તેમાં પણ ઘણા વાલીઓને કેટલાક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે.
વાલીઓ પાસેથી એવા તમામ પ્રશ્નો લઇને તેના જવાબો શિક્ષણબોર્ડની પરિણામ બનાવનારી કમિટીમાં સ્થાન પામેલા સભ્ય જતિન ભરાડ અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મેળવ્યા છે અને વાલીઓના દરેક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. જે પરીક્ષામાં વિદ્યાર્થી ગેરહાજર હોય તે પરીક્ષામાં તેના માર્ક ઝીરો ગણી સ્કૂલે મોકલવાના.
ત્યારબાદ બોર્ડ ખૂટતા માર્ક કૃપાગુણ તરીકે મૂકી પાસ કરે. શાળા કક્ષાએ લેવાયેલી કસોટીમાંથી વિદ્યાર્થીને જેટલા માર્ક મળ્યા હશે તેમાં ખૂટતા માર્ક ઉમેરી પાસ કરાશે. જેમકે 80માંથી મિનિમમ 26 મેળવવાના હોય અને 10 મળ્યા હોય તો બાકીના 16 માર્ક કૃપાગુણ આપી પાસ કરાશે. સામયિક અને એકમ કસોટીના 80 માર્કમાંથી વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 26 ગુણ અને ઇન્ટર્નલમાં ઓછામાં ઓછા 7 ગુણ લેવા પડે જેથી 33 માર્કે પાસ થઇ શકે. જૂન અંત સુધીમાં પરિણામ આવવાની સંભાવના છે.