ગુજરાતમાં વેક્સિનેશનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં વેક્સિનેશનમાં દેશમાં ત્રીજા સ્થાને છે. ત્યારે ગુજરાતમાં સાંસદોના મતવિસ્તાર પ્રમાણે સૌથી વધુ બારડોલીમાં 13.73 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે.
જ્યારે સી. આર. પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં ચર્ચામાં રહેતા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી મતવિસ્તારના સાંસદ સી.આર. પાટીલનો સમાવેશ ઓછા વેક્સિનેશનવાળા સંસદીય વિસ્તારમાં થઈ રહ્યો છે. કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાંથી ડર જતો નથી.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં લોકો વેક્સિનના નામથી જ દૂર ભાગી રહ્યા છે. તેમને ડર છે કે કોરોનાની વેક્સિન લીધા પછી તેમને કોઈ બીમારી લાગી જશે. જોકે આ માત્ર એક અફવા છે, કારણ કે ગુજરાતમાં લાખો લોકોએ વેક્સિન લઈ પણ લીધી છે અને તેઓ સારા પણ છે, પરંતુ કેટલાંક ગામડાંમાં ડર અને અંધશ્રદ્ધા વેક્સિનેશન સામે હાવી બની ગઈ છે, જેથી વેક્સિન માટે હેલ્થકર્મચારીઓ લોકોને સમજાવી રહ્યા છે.