ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરથી બુધવાર બપોર પછી અમદાવાદ સહિત અન્ય શહેરોના વાતાવરણમાં પલટો આવશે અને ગુરુવારે વરસાદ થવાની શક્યતા છે.
દરમિયાન રાજ્યમાં શરૂ થયેલા દક્ષિણી પવનના જોર વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો 40.0 ડિગ્રી પાર કરી જતાં રાજ્યમાં 40.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં દિવસ દરમિયાન 8થી 10 કિમીની ગતિના પવનને કારણે ગરમીથી રાહત રહી હતી.
ચાર-પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિએ પવન-ગાજવીજ સાથે ચોમાસુ જામવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વહેલી સવારથી અમદાવાદમાં 8થી 10 કિ.મી.ની ગતિના પવનને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, પણ બફારાનું પ્રમાણ વધ્યું હતું.