અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ગુલમહોર સોસાયટીમાં રહેતો અને વસ્ત્રાલમાં આવેલ પુષ્પ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર ચલાવતા સમીરખાન પઠાણે રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર શખસ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યાની આસપાસ ચાર શખ્સ સ્પા સેન્ટરમાં આવ્યા હતા અને સમીરખાનને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના અધિકારી તેમજ રિપોર્ટર તરીકેની આપી હતી.આ ચારેય શખ્સો એ સમીરખાનને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપાર ચલાવે છે. જેનો વીડિયો પણ હોવાની વાત કરી હતી. સ્પા સેન્ટરમાં હાજર યુવતીઓને પણ બળાત્કારનો કેસ બનાવીને જેલમાં પુરાવી દેવાની ધમકી ચારેય શખ્સો એ આપી હતી.
સમીરે ૧૧ હજાર રૂપિયા આપી દેતાં ચારેય જણા જતા રહ્યા હતા અને આવા ધંધા બંધ કરી દેજે અને કોઇને કહેતો નહીં તેવું પણ કહેતા ગયા હતા. રૂપિયા લઇને ગયા બાદ સમીરને શંકા જતાં તેને તપાસ કરી હતી તો ચારેય શખ્સો કોઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી અને રિપોર્ટર નહીં હોવાનું સામે આવ્યું હતું.ચારેય શખ્સોએ કરેલો ૧૧ હજાર રૂપિયાનો તોડ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં રામોલ પોલીસે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.