શહેરના સીજીરોડ પર આવેલી આંગિડયા પેઢીમાં કામ કરતો કર્મચારી પેઢીમાંથી રૂ.૭ર.૬ર લાખની ઉચાપત કરી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. કર્મચારીએ પોતાના ભાઈ સાથે મળી આંગિડયાના રૂ.૭ર.૬ર લાખ ઘરભેગા કરી લીધા હોઇ આંગિડયા પેઢીના માલિકે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળેલ માહિતી મુજબ વીસનગરની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ પટેલ (ઉ.વ.૪૪) અમદાવાદના સીજીરોડ પર સુપર મોલમાં પટેલ મિણલાલ મગનલાલ એન્ડ સન્સ નામે આંગિડયા પેઢી ધરાવે છે.
વીસનગરની શરણમ્ સોસાયટીમાં રહેતા પીયૂષભાઇ પટેલ ચાર વર્ષથી પેઢીમાં પૈસાની લેતી-દેતીનું કામકાજ સંભાળતા હતા. ગત પ એપ્રિલ, ર૦૧૬ના રોજ પીયૂષભાઇ નોકરીએ આવ્યા ન હતા. તેમનો મોબાઇલ પણ બંધ આવતો હતો. પાર્ટીઓના પૈસા માટે પેઢીમાં ફોન આવતાં પીયૂષભાઇ પર શંકા ગઇ હતી.
કલ્પેશભાઇએ પેઢીના હિસાબો ચેક કરતાં આઠ અલગ અલગ આંગિડયા પેઢીમાંથી કલ્પેશભાઇની પેઢીના નામે કુલ રૂ.૭ર.૬ર લાખ લઇને આવ્યા હતા. ૭ર લાખ જેટલી માતબર રકમ ૪ એપ્રિલના રોજ તેના ભાઇ સાથે મળીને લઇને ફરાર થઇ ગયા હતા. હિસાબ તપાસતાં આઠેય પેઢીને પૈસા ચૂકવ્યા હોવાની કલ્પેશભાઇની પેઢીની ખોટી રસીદો પણ પીયૂષભાઇએ બનાવી હતી.
કલ્પેશભાઇએ બાજુની પેઢીના સીસીટીવી ફૂટેજ તપાસતાં પીયૂષભાઇનાે ભાઇ અંકુર પટેલ છેલ્લા બે દિવસથી પેઢીમાં આવ-જા કરતો હતો. તેના ભાઇ સાથે મળી આ ઉચાપત કરી હતી. પીયૂષભાઇના પિતાને આ બાબતે વાત કરતાં તેઓએ પૈસા ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું, પરંતુ સમય વીતવા છતાં પૈસા ચૂકવ્યા ન હતા અને પૈસા માગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.