છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન કોરોનાને લીધે આર્થિક ભીંસમાં મુકાયેલા વાલીઓ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી ન મૂકે તે હેતુસર નિકોલની શ્રીગણેશ વિદ્યાલયે બાળવર્ગથી ધોરણ 1 સુધીની શૈક્ષણિક ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની હાલની સ્થિતિમાં એક તરફ ઘણી સ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે.
ત્યારે શ્રીગણેશ વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલના આશરે 150થી 200 બાળકોના અભ્યાસ પર વિપરીત અસર ન પડે તે હેતુસર આ આગવી પહેલ કરી છે. સ્કૂલના ગુજરાતી માધ્યમના બાળવર્ગ-1, બાળવર્ગ-2, ધોરણ 1, અંગ્રેજી માધ્યમમાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1ના વિદ્યાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવાયો છે. જુલાઈ-2021 સુધીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે.