જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નામ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં આગળ પડતું હતું. વિનોદ ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બીમારીના પગલે જ આજે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેમનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના દિવસે ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેમણે એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં કેટલીક હાસ્ય રચનાઓ, પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદભટ્ટની અ-રહસ્ય કથાઓ, વિનોદભટ્ટના પ્રેમપત્રો, સુનો ભાઇ સાધો, આંખ આડા કાન, નરો વા કુંજરો વા, વિનોદવિમર્શ જેવી હાસ્યકૃતિઓ તેમજ નર્મદ, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન જેવા ચરિત્રો નો સમાવેશ થાય છે. તેમને વર્ષ 1976 માં કુમાર ચંદ્રક, 1989 માં રણજિતરામ સુવર્ણચંદ્રક આપવા માં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. શોક સંદેશમાં જણાવ્યું હતું કે માર્મિક શૈલીમાં પોતાના હાસ્ય લેખ અને લેખ માળાઓ પુસ્તકો દ્વારા વિનોદ ભાઈએ સમાજ જીવનની વાસ્તવિકતાઓનું બખૂબી નિરૂપણ કર્યું છે. તેમના દુઃખદ નિધન થી ગુજરાતી સાહિત્ય જગત ને ન પુરાય તેવી ખોટ પડી છે.