કોરોનાને કારણે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થયું છે. કોરોના વકરતા માત્ર સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સને જ નહીં ટેક્સટાઈલની સાથે સંકળાયેલા ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ્સને પણ મોટું નુકસાન થયું છે.
એક અંદાજ પ્રમાણે કોરોનાથી બંધના કારણે રૂ. 2000 કરોડની ડિલીવરી અટકી ગઈ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટર્સને વિવિધ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ થઈ ગયું છે. આ વિશે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યુ હતું કે, ‘ટ્રાન્સપોર્ટ દ્વારા સારોલીના ઘણા માર્કેટમાં 5થી 7 દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
2 મહિનાથી વેપાર ન મળતો હોવાથી ઉંચા ભાડા ઘણાંને પોસાતા નથી. જેના કારણે કેટલાકે તો 2થી 3 ગોડાઉન ખાલી કરી દીધા છે. સિઝનમાં સરેરાશ 400 ટ્રકથી ડિલિવરી થતી હોય છે. માર્કેટ હજુ ખુલ્યાં છે ત્યારે માંડ 30 ટ્રકની અવર-જવર સુરતથી થાય છે. શહેરના ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટર્સનો મત છે કે, ‘માર્ચ મહિનામાં સારો વેપાર રહ્યા બાદ એપ્રિલથી વેપાર પર બ્રેક લાગી છે. હાલ માર્કેટો ખુલી તો છે પણ ગોડાઉન ભરાતા 3થી 4 દિવસ લાગે છે. સિઝનમાં રોજ સરેરાશ 400 ગાડીઓ જ્યારે સામાન્ય દિવસોમાં 120થી 150 ગાડીઓ થકી કાપડની ડિલિવરી થતી હોય છે. એપ્રિલ અને મે બે માસ સંદતર વેપાર બંધ રહેવાને કારણે અંદાજે 2500 કરોડથી વધુનો કાપડ ડિલીવરીનું કામ ટ્રાન્સપોર્ટર્સને મળી શક્યું નથી.