ભરૂચના ગાંધીબજારમાં ખુલ્લી ગટર તથા માર્ગોની મરામત કરવાની માંગ સાથે વેપારી મંડળ પાલિકા કચેરીમાં પહોંચ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
સમગ્ર ભરૂચ શહેરનું વરસાદી પાણી ગાંધી બજારના જાહેર માર્ગો ઉપર થી પસાર થઇ નર્મદા નદી સુધી પહોંચતા હોય છે અને આ પાણી માંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ખુલ્લી ગટર નજરે ન પડતી હોવાના કારણે કેટલાય વાહનચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટરોમાં ખાબકતાં હોય છે. તેઓને બચાવવા માટે સ્થાનિક દુકાનદારો દોડી આવતા હોય છે પરંતુ ચોમાસાના ચાર મહિના ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે ગ્રાહકો ખરીદી કરવા આવતા ન હોવાના કારણે પણ વેપારીઓએ ભારે આક્રોશ વારંવાર વ્યક્ત કર્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા વેપારીઓની સમસ્યાનું નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીને ઉગ્ર રજુઆત કરી હતી અને સમસ્યાનું ચોમાસા પહેલા નિરાકરણ નહીં આવે તો નગરપાલિકામાં ભૂખ હડતાળ ઉપર ઉતરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી.