બહુચર્ચિત બિટકોઈન કાંડમાં ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે જ અપહરણ અને ખંડણીની FIR

સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલા બિટકોઈન ખંડણી કેસમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. આ સમગ્ર કાંડના ફરિયાદી શૈલેષ ભટ્ટને જ ૧ ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ સુરતની ઉઠી ગયેલી બિટ કનેક્ટ કંપનીના ધવલ માવાણીનું અપહરણ તેમજ તેની પાસેથી બિટકોઈન પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે દિલિપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરાઈ છે, જ્યારે શૈલેષ ભટ્ટ ગાયબ છે. શૈલેષ ભટ્ટ પાસેથી ૧૨ કરોડના બિટકોઈન પડાવવાના કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને અમરેલી ક્રાઈમ બ્રાંચના પીઆઈ અનંત પટેલ હાલ જેલમાં છે. પોલીસ આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને વોન્ટેડ જાહેર કરીને તેમને શોધી રહી છે જે હાલ ભૂગર્ભમાં છે.

સીઆઈડીએ વિગતવાર જણાવ્યા અનુસાર, સુરતમાં બિટ કનેક્ટ નામની કંપની સતીષ કુંભાણીએ શરુ કરી હતી, અને આ કંપનીએ કેટલીક સ્કીમો લોન્ચ કરી હતી. બે વર્ષ પહેલા બિટકોઈનમાં ઈન્વેસ્ટ કરવાની યોજના આ કંપની લાવી હતી, અને તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરાતો હતો. એકાદ વર્ષ પહેલા બિટ કનેક્ટે પોતાની વર્ચ્યુઅલ કરન્સી લોન્ચ કરી. બિટ કનેક્ટ નામની આ વર્ચ્યુઅલ કરન્સીમાં ઘણા લોકોએ રોકાણ કર્યું, જેમાં શૈલેષ ભટ્ટ અને તેના મિત્રો પણ હતા. જોકે, એકાદ વર્ષ સુધી આ કરન્સી ચાલી, અને તેમાં મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ આવી જતાં જાન્યુઆરી 2018માં કંપની ઉઠી ગઈ, અને તેણે કામકાજ બંધ કરી દીધા, અને તેમાં લોકોના કરોડો રુપિયા ડૂબી ગયા. આ રુપિયા લઈ સતિષ કુંભાણી અને તેના સાગરિતો નાસી છૂટ્યા. કુંભાણી અને તેના સાગરિતો પાસેથી આ રુપિયા કઢાવવા શૈલેષ ભટ્ટે પોતાના માણસો રોક્યા, અને પિયૂષ સાવલિયાને બનાવટી આઈટી ઓફિસર બની ઉઠાવી લીધો. સાવલિયાએ ધવલ માવાણીનું નામ આપતા શૈલેષ અને તેના સાગરિતોએ માવાણીને ઉઠાવ્યો, અને તેની પાસેથી બળજબરીથી ૨૨૫૬ બિટકોઈન પડાવ્યા, જેની કિંમત ૧૩૧ કરોડ રુપિયા જેટલી થતી હતી. શૈલેષે માવાણી અને તેના સાગરિતો પાસેથી લાઈટકોઈન પણ પડાવી તેને બિટકોઈનમાં ટ્રાન્સફર કરાવ્યા, અને આંગડિયા દ્વારા પણ કરોડોનો હવાલો પડાવ્યો. આમ, શૈલેષે માવાણી પાસેથી ૧૫૫.૨૧ કરોડ રુપિયા પડાવ્યા, અને તેના ભાગ પડાયા. જેમાંથી શૈલેષના ભાગમાં સાતસોથી વધુ બિટકોઈન આવ્યા હતા.

સીઆઈડી ક્રાઈમે કરેલા ખુલાસા મુજબ સુરતની કંપની બિટ કનેક્ટનું કૌભાંડ ૧૦૦૦ કરોડ રુપિયાને પણ આંબી જાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. મહત્વનું છે કે, સુરતમાં અનેક લોકોને નેક્સાકોઈનમાં રોકાણ કરાવનારા ‘બિટ કનેક્ટ’ના સંચાલક ધવલ માવાણી અને પિયૂષ સાવલિયાને સરથાણા રોડ પરથી ઉઠાવી લેવાયા હતા, અને તેમની પાસેથી ૨૨૦૦ બિટકોઈન પડાવાયા હતા, જેમાં શૈલેષ ભટ્ટ મુખ્ય કાવતરાખોર હતો.

સીઆઈડીના ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શૈલૈષ ભટ્ટે પોતાની પાસેથી અમરેલીના એસપીએ બિટકોઈન પડાવી લીધા છે તેવી ફરિયાદ કરતા તેની તપાસ દરમિયાન આ પ્રકરણ બહાર આવ્યું હતું. હાલ સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા દિલિપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે, અને તેમના રિમાન્ડ પણ માગવામાં આવશે. જ્યારે, આ કેસમાં ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *