શહેરમાં મગફળીનાં ગોડાઉનમાં વારંવાર આગ લાગવા મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ગંભીર આરોપ લગાવ્યાં છે. અર્જુન મોઢવાડિયાએ મગફળીની ખરીદીમાં કરોડોનું કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરી હતી. અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.અને જણાવ્યું કે મગફળીનાં ગોડાઉનમાં આગ લાગવાની અત્યાર સુધી ૫ ઘટનાઓ બની છે. તેમાંથી રાજકોટ ના ૩ ગોડાઉનમાં આગ લાગી હતી. એટલુ જ નહિ મગફળીની ખરીદીમાં 5 હજાર કરોડનું કૌભાંડ થયું છે તેમ તેઓએ જણાવ્યું હતું. મોઢવાડિયાએ જણાવ્યું કે મગફળીની ખરીદીમાં થયેલાં કૌભાંડનાં રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવે છે. આ સાથે એમ પણ જણાવ્યું કે મગફળીનાં કોથળામાં અન્ય વસ્તુ ભરીને પુરાવા છુપાવવા માટે આગ લગાડવામાં આવે છે. આ સમગ્ર મામલે સરકારે ન્યાયિક તપાસ કરાવવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી .નોધનીય છે કે અગાઉ એક દિવસ પહેલાં રાજકોટનાં શાપર વેરાવળમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળીનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જો કે બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર નિયંત્રણ કરવામાં આવ્યું હતુ.શાપર વેરાવળમાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નાફેર્ડ દ્વારા ખરીદી કરાયેલાં મગફળીનાં આ ગોડાઉનમાં પ્રચંડ આગ લાગતાં કલેક્ટર, SP સહિતનાં તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાસ્થળે આઠ ફાયર ફાઈટરો પણ મોકલી દેવામાં આવ્યું હતું. તેમજ ત્રણ જેસીબીની મદદ પણ લેવામાં આવી હતી. મહત્વનું છે કે આ આગમાં અત્યાર સુધીમાં ૪૩ હજારથી વધુ મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે ૨૫ હજાર જેટલી બોરીઓ બચાવી લેવામાં આવી હતી. નોધનીય છે કે છેલ્લાં ૬ મહિનામાં આગની આ ઘટના ત્રીજી વખત બની છે. જેને લઈને ગુજરાત સરકાર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે.