આણંદના વાસદ ખાતે આવેલ એસ.વી.આઈ.ટી કોલેજના વિદ્યાર્થીઓએ છ મહિનાની મહેનતથી એક એવુ પક્ષી બનાવ્યું છે કે જે પક્ષીની માફક પાંખો ફેલાવીને ઉડી શકે છે.આણંદના વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સવિશેષ જાણીતા છે.
અહીંના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પક્ષીની જેમ પાંખો ફેલાવીને ઊડતું એક પક્ષી તૈયાર કર્યું છે. પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઉડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર (મિકેનિકલ બર્ડ) કહે છે બર્ફીલા પ્રદેશોમાં વિશેષ જોવા મળતા ગરુડની કદ, કાઠી તથા શારીરિક સંરચનાને ધ્યાનમાં રાખીને સર્વ પ્રથમ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.ઓર્નીથોપ્ટરની પાંખોનો ઘેરાવો ચાર ફૂટ, લંબાઈ ૨ ફૂટ અને વજન માત્ર ૩૫૦ ગ્રામ રાખવામાં આવ્યું છે.આ પક્ષી ૫૦થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઊડી શકે છે. તેની અંદર હાઈ રીઝોલ્યુશન વાળા કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે.
તેને ઉડાવવા માટેની શક્તિ લીથીયમ પોલીમર બેટરી દ્વારા મળે છે. શરીરનો મુખ્ય ભાગ અત્યંત હલકા એવા વિશેષ પ્રકારના પ્લાસ્ટિકથી બની છે. તેની પાંખો સહેલાઇથી મૂવમેન્ટ કરી શકે તે હેતુથી નાયલોન ફેબ્રિકની બનાવવામાં આવી છે. તથા આંતરિક માળખું કાર્બન ફાઇબરની અત્યંત હલકી ટ્યુબો માંથી બનાવેલી છે. તેને ઉડાવવા માટે રન-વે ની જરૂર પડતી નથી માત્ર હાથથી હવામાં ઉપરની બાજુ આગળ તરફ ફેંકીને સરળતાથી હવામાં ઉડતુ મૂકી શકાય છે. ત્યાર બાદ તેને રિમોટ કંટ્રોલ દ્વારા તેની ઊંચાઈ અને ગતિ ને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય છે. આ પ્રકારના પક્ષી ડ્રોનનો ઉપયોગ જાસૂસી જેવા સૈન્ય હેતુ માટે, તથા જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થઇ શકે છે.
વર્ષ 2019 મા ઉરી નામની ફીલ્મમા આ પ્રકારે પક્ષીમાં કેમેરો મુકવામા આવે છે. જેની પરથી પ્રેરણા લઈ આ ઓર્નિથોપ્ટર બનાવવામા આવ્યુ છે. આ ઓર્નીથોપ્ટર બનાવવા કોલેજ SSIP એટલેકે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી સેલ તરફથી ફંડીગ મળ્યુ હતુ. જેના લીધે આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક તૈયાર થઈ શક્યો. તો વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ કોલેજના સંચાલકો તથા અધ્યાપકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.