૧. “એ તો છે જ એવા !” – રામ મોરી
તો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ મેરેજ હતા. મારી અધુરી કૉલેજ છુટી ગયેલી. હજું તો ક્લાસમાં મેડમ ” પ્રિયજન” નવલકથા ભણાવતાં હતા ને તાસ્ક પુરો થઈ ગયેલો. કેન્ટીનમાં બધી ફ્રેન્ડસ સાથે આ વખતના એન્યુઅલ ડે માટેની ‘ક્રિષ્નાઃ ધ ગ્લોબલ ગુરૂ’ થીમ વિશેની ચર્ચાઓ કરતાં હતા. એક બે ફ્રેન્ડસ લોકોએ તો એ વખતે મને ખીજવી પણ લીધેલી કે “મેહા, તું જ ક્રીષ્ન બનજે, કોલેજને મેકઅપનો ખર્ચો બચી જશે.” ને પછી એ લોકો અંદરોઅંદર હસી પડેલા. તાળીઓ આપતાં હતાં ને જાણે કે બહું જ મોટી જૉક કહેવાઈ હોય એમ હસવું રોકી નહોતાં શકતાં. એ જ વખતે મેં છણકો કરી દીધેલો. “હું કાળી નથી, નમણી છું !” ને પછી પાછું ફરીને જોયા વિના મારા લાઈટ પોપટી ડ્રેસને મેચીંગ દુપટ્ટાને હાથમાં કસકસાવીને પકડીને સડસડાટ ચાલતી થઈ ગયેલી. મારી પાછળ મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા એ બધી છોકરીઓને ધમકાવતી હતી, એનાં અવાજો મને છેક કોલેજના ગેટ સુધી સંભળાતા હતા
“વ્હોટ આર યુ ડુઈંગ ગર્લ્સ ? તમને કેટલીવાર કીધું છે કે એને કાળી ન કહો, એને નમણી કહેવાય. એને નથી ગમતું કે કોઈ એને……”
“એમ કાંઈ અમારા કહેવાથી થોડી એ રુપાળી થઈ જવાની છે ? સાચું છે એ કીધું એમાં તે….”
ઓહ… હાઈશ આંગળી દાઝી ગઈ. ઉની ઉની તપેલી પર આંગળી અડી ગઈ.
હજુ તો તૈયાર પણ ન થયા હોય ને બા તુટી પડે, “વહુ, મારા માટે જરા કૉફી…” તે દિવસે પણ આમ જ બોલેલાંને કે –
“બેટા, મારે ચાની બાધા છે, કૉફી બનાવજે…” કોલેજથી છુટીને કીલો રીંગણા ને કોથમીરની ઝુડી ને છાશની થેલી લઈ ઘેર આવી હતી. દિવ્યા પાસેથી ‘આગંતુક’ વાંચવા લાવી હતી એ કહેતી હતી કે ‘મેહા, ધીસ નોવેલ ઈઝ ટુ ગુડ યાર, યુ મસ્ટ રીડ ઈટ !’ એટલે મેં નક્કી કરેલું કે ઘેર જઈને સૌથી પહેલાં તો આ નોવેલ વાંચીશ. હજુ તો ઘેર પહોંચું પહોંચું ત્યાં તો ડ્રોઈંગરુમમાં બ્લ્યુ શર્ટમાં મારી ઉંમરનો એક છોકરો ને એક આધેડ બેન મમ્મી સાથે બેઠા હતા.
“આ જુઓ આવી ગઈ ! આવી ગઈ બેટા ? કેમ આજે મોડું થયું ?” મમ્મી રોજે ન પુછતી એ સવાલો આજે આટલાં બધાં વહાલથી કેમ પુછતી હતી એ ન સમજાયું. પેલાં આધેડ બહેન પણ સસ્મિત મને માપી રહ્યા પણ ધીમે ધીમે નાનું બનતું જતું એનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું. ને પેલો છોકરો એકધારું મારી સામે જોઈ રહ્યો એનાં જોવામાં કોઈ ફેરફાર ન વર્તાયો. સવારે જ મમ્મીએ ફોર્સ કરેલો કે ના, આજે તો ડ્રેસ પહેરીને જ જા, એટલે રેગ્યુલર કુર્તી જીન્સના બદલે આજે આછાં પોપટી ચુડીદાર પહેરેલાં હતા. બંને હાથમાં શાકભાજીની થેલી, ચહેરા પર ચોટલામાંથી છુટી પડીને પરસેવાથી ગાલો પર ચીપકી ગયેલી કોરી લટો, ખભે કચ્છી ભરત ગુંથેલું કોલેજબેગ ને આંગળીમાં એક્ટીવાની ચાવી. મેં મારો દુપટ્ટો વ્યવસ્થીત કર્યો ને જેવી સડાસડાટ ઘરમાં ગઈ કે મમ્મી ફરી બોલી ઉઠી હતી,
“મેહા.. ચા બનાવ.”
“બેટા, મારે ચાની બાધા છે, કૉફી બનાવજે…” પછી એ બહેને ફરી પાછું એની બાજુમાં બેસેલાં છોકરા તરફ જોઈને મલકાઈ લીધેલું. હું કિચનમાં ગઇ અને ગેસ પર કૉફી મુકી. ડ્રોઈંગરુમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો હતો,
“ઘરનું બધું કામ અમારી મેહા જ કરે….!”
* * * * *
“વહું, મારી કૉફી?” દાઝેલી આંગળી મોંમા મુકી ને કપ લેવા ગઈ કે કપ હાથમાંથી છટક્યો. કપે જોરથી તુટીને સવાર સવારમાં આખાં ઘરને મારી ફરિયાદ કરી. બાએ પુજા ઘરમાં ટકોરી થોડા વધું જોરથી વગાડીને પુજા પુરી કરી ને ડ્રોઈંગરુમમાં સસરાએ છાપાનો થોડો વધું મોટો અવાજ થાય એમ પાનું ફેરવ્યું ને મને ખાત્રી જ હતી કે આ અવાજથી બેડરુમમાં સ્કાયબ્લ્યુ નાઈટડ્રેસમાં સુતેલાં ચિંતને ઓશીકાથી પોતાનાં મોઢા અને કાનને ઢાંક્યા હશે જ…
* * * * *
“દિલ્હીમાં જ રહે છે, કયું ભણતર કે’વાય તારું બેટા ચિંતન ?” ડ્રોઈંગરુમમાં મમ્મી સાથે બેસેલાં એ બહેને એની બાજુમાં બેસેલાં એ છોકરાને પુછ્યું. હું કૉફી લઈને આવી. એણે એનાં બ્લ્યુ શર્ટના ઉપલાં બટન સાથે રમતાં હાથને અટકાવી ને મારી સામે જોતાં જવાબ આપ્યો,
“જી, ઈન્ટરીયર ડિઝાઈનીંગ.” મારીને એની આંખો મળી. મારા કરતાં તો ક્યાંય વધુ રુપાળો હતો એ. પછી મમ્મી તરફ જોઈને બોલેલો,
“આન્ટી, મને લેમન ટી જ ફાવશે. કૉફી નથી પીતો.”
“ચિંતન, પહેલાં કહેવું જોઈતું હતું ને! મને એમ કે અહીંયા તો તું કૉફીથી ચલાવી..” સોફા પર પલોઠી વાળીને બેસેલાં એ બહેન આ છોકરા તરફ મીઠો ગુસ્સો કરતાં વધુ બોલવા ગયેલાં કે મમ્મીએ તરત મને કીધું,
“મેહા, જા, લેમન ટી બનાવી લાવ.” હું થોડી ધુંધવાણી, મનોમન જ. ને મને દેખાઈ ગયું કે મારો ધુંધવાટ એ છોકરો સમજી ગયો એને સ્મિત જેવું કશુંક કર્યું ને હું વધું ગુંચવાતી સીધી કીચનમાં. પણ અંદર જઈને મુંઝાણી કે લીંબું તો છેલ્લા બે હતા ને એય મેં સવારે કોલેજમાં સાથે નાસ્તામાં લઈ જવાં બટેટાપૌઆ બનાવેલાં ને એમાં નીચોવી દીધેલાં. મમ્મીએ કિધેલું કે ” બહું ખાટું ખાઈશ નહીં, ખટાશ ચડશે !” પણ મને ક્યાં ખબર હતી કે ખટાશ અત્યારે આ રીતે ચડી જશે લેમન ટીના નામે….
* * * * *
“મેહા વહુ.. ચિંતનની લેમન ટી માટે લીંબું ખુટી ગ્યા છે? ફ્રીજ ખોલીને જોઈ જોવો તો. ને એને જગાડો જાવ. દિવસ માથે ચડી ગયો છે.” બા સોફા પર પલોઠી વાળીને બેસી ગયા ને મેં આપેલાં કૉફીના કપને મોઢે લગાવ્યો. હું એમને ઉઠાડવા બેડરુમમાં આવી, એ ઘસઘસાટ સુતાં હતા. ઓશીકાથી એનાં મોઢાને ઢાંક્યું હતું. મેં એનો અંગુઠો હળવેથી મરડ્યો અને એ પડખું ફેરવી ગયા. એ જે તરફ પડખું ફેરવી ગયા હતા હું એ બાજુ ગઈ ને એના ખભાને હલબલાવતી હતી તો એ મારો હાથ પકડી લીધો ને પોતાના બંને હાથે મારા હાથને પોતાની છાતીમાં દબાવતાં પડખું ફરી ગયાં.
“તમને કહું ઊઠો, આઠ વાગી જશે હમણાં.”એમણે કોઈ જવાબ આપ્યો નહીં. મને કુકરમાં મુકેલી દાળની દાઝવાની વાસ આવી ફટાફટ મારો હાથ છોડાવીને ભાગી ને હડબડાટીમાં બહાર નીકળવા ગઈ કે સામે આવતાં બા સાથે માંડ માંડ ભટકાઈ જતાં બચી.
“ન જાગ્યો ને ? મને ખબર જ હતી. એમ તો મારો દિકરો છે, મારા સાદ વિના ઉઠે શેનો એ?” બા મારી સામે વિજયી સ્મિત કરતાં બોલ્યા ને હું સીધી કિચનમાં. ત્યાં સુધીમાં તો સહેજ મોડી પડવા બદલ તો કુકરે તીણી સીસોટી બોલાવી બોલાવી મને આખી ઝાટકી નાખી. ગૅસ બંધ કર્યો. મસાલાનું બોક્ષ ખોલી જીરું, રાઈ, હીંગ ને સુકા મરચાં કાઢી રકાબીમાં મૂક્યાં. કુકર ખોલ્યું તો પાણી બળી ગયું હતું. કુકરના ખુલ્યાં પછી દાઝવાની વાસ આવી. ચમચીથી નહીં દાઝેલી સારી દાળને અલગ કરવા માંડી. બેડરુમમાંથી બા નો અવાજ સંભળાતો હતો.
“હા ઊઠો, ચાલ બેટા… જો તારી લેમન ટી બનાવી નાખીયે ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા.” મે જોયું કે નહીં દાઝેલી દાળમાંય દાઝ્યાની લાલાશ તો દેખાતી જ હતી. પછી હું બબડી,
“ખબર જ છે કે તમારા ઉઠાડવાથી જ એની ઉંઘ પુરી થાય છે તો રોજ તમે જ ઉઠાડતા હો તમારા રાજકુંવરને… તમને ખબર હોય એમ જ થાતું હોય આ ઘરમાં તો તમારે જ કરવું. આરામ આપી દેવો મને… ઉઠ બેટા, અમે લેમન ટી બનાવીએ..?? ક્યારેય મારા આવ્યા પછી હરામ છે રસોઈમાં ડોકાયા હોય તો !” પાછળથી બા આવ્યા,
“શું થયું વહું ? દાળ દાઝી ગઈ?” એક પગે સહેજ ખોડંગાતા બા કીચનમાં આવ્યા ને મેં અલગ કરેલી બફાયેલી દાળ જોઈને એ બોલ્યા.
“હા, હું હમણાં બીજી મુકી દઉં છું બા!”
“ના હવે, નસીબમાં દાઝેલી દાળ હશે બીજું શું ! આમાં ટમેટા થોડા વધું નાખી દે એટલે દાઝ્યાનો સ્વાદ નહીં આવે.” ને પછી ઘડી બે ઘડી બાએ મારી સાડી સામે જોયું. મેં મારા લાલ કેસરી લેરીયાનો છેડો થોડો વધુ ખેંચીને માથે ઓઢ્યો.
“મેહા વહુ, આવા કલરના લેરીયા તમારી સ્કીન સાથે સ્યૂટ નથી થતું. તમારે લાઈટ કલર પહેરવાં જોઈએ. આ કલર તો ગોરાં હોય એને સારા લાગે.” કુકરની બાજુમાં મુકેલી તપેલીમાં તેલ ગરમ થયું ને મેં જીરુ, રાઈ ને હીંગ ભરેલી રકાબી સીધી એમાં ઠાલવી દીધી. મસાલાનો સહેજ તીખો ધુમાડો થયો ને ઉધરસ ખાતાં ખોડંગાતા બા કીચનની બહાર નીકળી ગયા. સામે વાસણોના સ્ટેન્ડ પર થાળી કાઢવાં ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો, ઘડી બે ઘડી ચહેરાને જોયો. આંખોની નીચે સહેજ કાળાશ બાઝી ગઈ હોય એવું લાગ્યું ને થયું એટલી પણ કાળી નથી જેટલી બધા કહે છે… નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કર્યું ને ચાની ભુકી નાખી ને ફ્રીજ ખોલી લીંબું કાઢ્યા, ચપ્પુની ધાર લીંબું પર ચાલી..
* * * * *
“કલ્પનામાસી… લીંબું આપજો” પોપટી દુપટ્ટાથી પરસેવો લૂંછતી હું અમારા પાડોશી કલ્પનામાસીના અને અમારા ઘરની દિવાલ પર બેય હાથ ટેકવી બૂમ પાડતી હતી.
“કેમ, મહેમાન આવ્યા છે મેહા?” કલ્પનામાસી લીંબુ લાવ્યા અને મારા હાથમાં મુકતાં પુછવા લાગ્યા.
“હા જુઓને માસી, હું તો હજી કોલેજથી આવી છું..”
મારો હાથ દબાવી કલ્પનામાસી નીચલાં હોઠ પર દાંત દબાવી મલકાતાં બોલ્યા,
“હા, જાણે તને તો ખબર જ નહી હોય કે આજ વળી મહેમાન આવવાના છે. નાનીને અમસ્તી કાંઈ કારણ વગર મોકલી દીધી મોસાળ?” હું એના ભાવ સમજી ન સમજી ને ઘરમાં આવવા ગઈ કે પેલાં આધેડ બહેન જે મહેમાન થઈને આવ્યા હતાં એ અમારાં ઘરની પાછળ ગાર્ડનમાંથી મોટે મોટેથી કોઇ જોડે ફોનમાં વાત કરતાં હતાં. હું અટકીને ઉભી રહી ગઈ અને એનો અવાજ સાંભળવા લાગી,
” હા.. છોકરી જોઈ લીધી… હા, ઘર પણ સરસ છે.. હેં… ના રે… હા… બધી વાત થઈ ગઈ છે… ચિંતને જ પસંદ કરી છે… હા પણ…” એ બહેનનો અવાજ સહેજ ધીમો પડ્યો “છોકરી થોડી કાળી છે….!”
મારા હાથમાં રહેલાં લીંબુને મેં બમણી ભીંસથી દબાવી દીધાં.
* * * * *
લેમન ટીને ઉભરા જેવું થઈ આવ્યું, ગેસ પરથી ઉતારી, કપમાં ભરીને અમારાં બેડરુમમાં આવી. એમને કપ આપ્યો. એમણે કપ હાથમાં લીધો અને સ્મિત કર્યું.
“તમારા કપડાં કબાટમાંથી કાઢી રાખું. તમે નાહી લો એટલે પછી હુંય તૈયાર થઈ જાવ.”
“હા આજે તો મેં તને ફિલ્મ દેખાડવાનું નક્કી કરેલું.. યા, હું તો ભુલી ગયેલો.” મેં એની સામે આંખો નચાવી અને ખોટો મીઠો ગુસ્સો કરતાં કબાટ ખોલ્યો અને એના માટે ઓફવાઈટ શર્ટ ને બ્લ્યુ જીન્સ કાઢ્યું. એક આ રવિવાર જ હોય છે જેમાં લાગે કે હાશ… આજે કાંઈક થોડી મોકળાશ મળશે. બીલાડી પ્લેટફોર્મ પર ઢાંકી રાખેલાં દુધને ટાંપીને બેઠી હોય એમ હું રવિવારને ટાંપીને બેઠી હોઉં. આ બધાં કપડાં, બ્લીચીંગ પાઉડર, વાસણો, ઝાડુ પોતા, એંઠી રકાબીઓ, ફ્રીજમાં મુકેલું દહીંનું મેળવણ, લેમન ટી, સેવ મમરાની ભેરેલી પ્લેટો, ઈસ્ત્રી, વળગણી પર અગાશીમાં સુકાતી સાડીઓ, ફળિયામાં ધમેડા પડેલા તપવા મુકેલાં બાજરો, શાકભાજીની ખરીદી, તુટતાં ફુટતાં વાસણો, બાથરુમમાં જામ થઈ ગયેલી ગટર, ઘસી ઘસીને હાંફી જાઓ તોય જેની પીળાશ ને ચીકાશ ન જાય એ ટૉઈલેટ ને ગેંડી ને જ્યાં ત્યાં ડુચો થઈ વીખરાયેલાં છાપાઓમાંથી માંડ માંડ મને થોડીવાર માટે છુટકારો મળે એ પણ આજના દિવસે અને સમયનો એ નાનકડો ટુકડો ને એની ક્ષણજીવી સુગંધ એમની સાથે ગાળેલી સાંજની લાલીમાં સાથે મારા ચહેરાં પર લીંપાઈ જાય. ને પછી આખ્ખે આખ્ખા છ દિવસ સુધી કામ કરતાં કરતાં પણ થાક લાગે ત્યારે અરીસામાં જોઈને એ લાલાશ યાદ કરી લઉ. કબાટમાંથી એમનાં કપડાં કાઢી ટુવાલ બાથરુમમાં મુકવા ગઈ કે બાનો અવાજ સંભળાયો,
“ચિંતન, જલદી નાહીને તૈયાર થઈ જા..આપણે બે ત્રણ જગ્યાએ ખબર કાઢવા જવાનું છે. તારા પપ્પાને તો શ્વાસ ચડે છે નહીંતર એને જ લઈ જાત.” એ બહાર આવ્યા. હું બેડરુમની બારસાખમાં જ ખોડાઈ રહી, એમનો જવાબ સાંભળવા. એમણે મારી સામે જોયું.
“હા એટલે વહુને પૂછવાનું હોય તો પછી જવાબ દેજે.” બા ધર્મલોકના પાના ફેરવતાં બોલ્યા. ચશ્મા એણે નાક પર ટેકવ્યા હતા ને એમની નજર અમારાં બંને તરફ હતી.
“હા મમ્મી, બસ દસ પંદર મીનીટમાં તૈયાર થઈ જાઉં છું.” કહીને એ ઉભા થયા. હું ખસી ગઈ ને એ બાથરુમ તરફ અંદર બેડરુમમાં ગયા. હું સીધી પાછળ આવી ને હજું બોલવા જાઉં કે એ બોલ્યા,
“લીસન મેહા, આપણે ફરી ક્યારેક જઈશું. મમ્મીને કેમ ના પાડી શકું યાર? નેક્સટ ટાઈમ શ્યોર… એના હાથમાં સાબુ પકડાવી હું રસોડામાં ગઈ. દાળનો વઘાર કર્યો. બારી બહાર જોઇ રહી. આંખમાંથી અનાયાસે ઝળઝળિયાં આવી ગયા. હંમેશા કેટલું બધું કામ નેક્સટ ટાઈમે ઠેલાતું હોય છે ને કેટલુંય કામ નેક્સ્ટ ટાઈમે ચાલુ કરવાનું હોય છે પણ ખબર નહીં આ નેક્સ્ટ ટાઈમ તો ભીનાં હાથમાંથી સરી જતાં સાબુની ગોટીની જેમ પકડાતો જ નથી.
“મેહા… મારું વોલેટ નથી મળતું…” આંસુ લૂંછીને હું બેડરુમમાં આવી. ધડામ કરતું કબાટનું બારણું ખોલ્યું અને એમના હાથમાં વોલેટ આપ્યું અને ધડામ કરતું બારણું બંધ કર્યું. અલબત્ત એમની સાથે નજર તો મેળવી જ નહોતી. હું ટુવાલ લઈ બાથરુમ તરફ ચાલવા ગઈ અને એમણે મારો હાથ પકડી એમની નજીક ખેંચી. એમના ભીનાં શરીરમાંથી તાજા નાહ્યાની તાજગી અને ભીનાં વાળમાંથી શેમ્પુની સુગંધ મને અનુભવાતી હતી. મેં મોઢું ફેરવી લીધું.
“કેમ? આટલી બધી રીસ ચડી ગઈ છે!”
“મને મુકો, મારે ઘણું કામ બાકી છે, તમારી જેમ નથી કે મન ફાવે ત્યારે મનફાવે એ કામ પાછું ઠેલવી શકાય.” મારી બંને આંખોના ખુણે પાણી ભરાઈ આવ્યા.
“અરે, તું આ વાતને આટલો ગંભીર ઈશ્યુ ન બનાવ….” મેં એમનો હાથ ઝટકાવી છોડાવી નાખ્યો.
“મને બધી ખબર છે…”
“શું?” કમરે બાંધેલાં વ્હાઈટ ટુવાલને ટાઈટ કરતાં એ મારી આંખોમાં જોવા લાગ્યા.
“હું કાળી છું એટલે તમને મને બહાર ફરવા લઈ જતાં શરમ આવે છે, હા એટલે જ દરેક વખતે તમને મને બહાર નહીં લઈ જવાના ઢાળ મળી જ જાય છે.”
મેં જાણે કોઈ જોક કીધી હોય એમ એ હસી પડ્યા. હું વધું છંછેડાઈ.
“ચલ તું પણ આવ અમારી જોડે.. હું વેઈટ કરું છું.”
“મારે ક્યાંય આવવું નથી જાવ.” કહીને મેં બાથરુમનો દરવાજો અંદરથી ખુબ જોરથી બંધ કરી દીધો અને શાવર નીચે ઊભી રહી ગઈ અને શાવર ચાલું કરી દીધો.
* * * * *
બાથરુમના બારણે થાપ પડી મેં પોપટી ચુડીદારની ઓઢણી ગળે નાખી અને બારણું ખોલ્યું,
“બોલ મમ્મી…”
“મેહાડી, કાંઈ ભાન પડે છે? સાવ ઊભા ઘોડા જેવી છો. મહેમાન બહાર બેઠા હતાં અને વાતો કરવાને બદલે નહાવા જતી રહી… લેમન ટી પીવરાવી સીધી બાથરુમમાં પુરાઈ ગઈ. રહી ગઈ હતી જાણે નાહ્યા વગરની, માણસ કાંઈક વાતચીત તો કરે ને….”
“તમે કરી તો લીધી મમ્મી.” મેં દાંત કસકસાવ્યા અને શરીર ફરતે ટુવાલ વીંટાળી બહાર નીકળી ને ભીનાં વાળ ઝાટકવાં લાગી.
“છોકરા એ તને પસંદ કરી લીધી.” મમ્મીએ હરખાતાં કીધું.
“હા, ઉપકાર કર્યો મારી ઉપર બીજું શું !”
“એવું શું બકે છો વળી? બાકી તું તો બેટા થોડી ભીનેવાન એટલે જલદી ગોઠવાય એવું લાગતું જ નહોતું,.” એણે ખુલ્લી બારીઓ બંધ કરી.
“હા એટલે જ તમે નાનકીને બહાર મોકલી આપી કેમ ? મને પુછવું જરા પણ જરુરી ન લાગ્યું?”
“બંધ થા હવે, સહેજ પણ સારી નથ લાગતી આવા બબડાટમાં. આ બધાં વ્યવહારમાં તને શું ખબર પડે ? આટલું સરસ ઘર છે, છોકરો કેટલો સરસ છે, પાછો રુપાળો… ને તોય તને…” એ બોલતી બોલતી અટકી અને બહાર નીકળી ને હું બેડ પર બેઠી અને કોલેજબેગમાંથી ‘આંગતુક’ કાઢીને વાંચવા લાગી. બે ત્રણ પેજ માંડ વાંચ્યા કે દિવ્યાનો ફોન આવ્યો,
“હેલ્લો, મેહા, નોવેલ વાંચી ?”
* * * * *
નાહીને બહાર નીકળી ને સાડી પહેરી પછી અરિસામાં જોઈ સેથામાં કંકુ પુર્યું, પછી બેડરુમ, ડ્રોઈંગરુમ અને કીચન ઝાપટીને સાફ કર્યું . મનને સતત કામમાં રાખવા લાગી. ને તોય બે ત્રણ કલાકમાં કામ પતી ગયું. સસરાને જમવાનું આપ્યું. મને જમવાની કોઇ ઈચ્છા થઈ નહીં. બા ને ચિંતન તો મોડા આવવાના હતા. મને મારી થાળી ભરવાની આળસ થઈ અને બેડરુમમાં જઈ બેઠી. ક્યાંય સુધી ગુમસુમ રહી. બહાર નીકળવાનો તો કોઈ સવાલ જ નહોતો કેમકે કોઈ સાથે વાતો જ નહોતી કરતી.આડોશ પાડોશ સાથે મને એટલે નહોતું ફાવ્યું કે પરણીને આવી ત્યારે જ વધામણી ખાતાં એ લોકો બોલેલાં.
“હીરલબેન, મેહાવહું તમને થોડી કાળી ન લાગી?”
“હા, એટલે ક્યાં આપણો ચિંતન ને ક્યાં આ વહુ?”
“નસીબ છોકરીના, બકરી સફરજન ગળી ગઈ.”
અગાશી ઉપર સુકવેલાં પાપડ લેવા જતાં પણ મને બીક લાગતી કે બાજુની અગાશી વાળા જોશે ને તો એની નજરમાં રહેલો મારો રંગ મને જંપવા નહી જ દે. મેં ડ્રેસીંગ ગ્લાસમાં મારા ચહેરાને જોયો. ત્યાં ફોનની રીંગ વાગી. દિવ્યાનો ફોન હતો
“હેઈ, મેહાડી, તું તો સાવ ભુલી જ ગઈ પરણ્યા પછી યાર.. કેમ છે?”
“હેઈ… તું રડે છે મેહા, વ્હોટ હેપ્પન.. ટેલ મી.. બોલ શું થયું.. એય તું રડવાનું બંધ કર મેહા. તને કોઈએ કશું કીધું છે? ચિંતન કશું બોલ્યો? તારા સાસુ?”
દિવ્યાને કારણ જણાવ્યા વિના સતત કેટલાંય દિવસનું રડી લીધું. પછી ફ્રેશ થઈ થોડી વાતો કરી. ને મારી આંખ મીંચાઈ ગઈ. ઊંધમાં પણ મને સતત ગરમાટો અનુભવાતો હતો. તુટક તુટક આંખ ખુલી તો આખું શરીર ધખારા મારતું હતું. ખબર નહીં કેટલી કલાકો સુધી હું સુઇ રહી હતી. આછો આછો ચિંતન દેખાયો, મારા કપાળે હાથ મુકતો હતો. બા દેખાયા… મીઠાના પાણીના પોતા મુકાતાં હોવાનું અનુભવાયું, કશુંક સોય જેવું જમણા હાથે ભોંકાયું. ને ફરી આંખ મીચાઈ ગઈ. આંખ ખુલી તો રાતના અગીયાર વાગ્યા હતા. કોઈ મીઠાના પાણીના પોતા નહોતાં. સહેજ આળસ અને થાક વર્તાયો. હાથમાં ઈજેક્શનની સોય ભોંકાઈ હોય એવું નીશાન શોધવા લાગી. જોયું તો ચિંતન બાજુમાં બેઠો હતો.
“હેઈ, બહું સુતી તું તો આજ.”
મેં અનુભવ્યું કે શરીર થાકેલું હતું પણ ઠંડું હતું. તાવ જેવું કશું અનુભવાયું નહીં.
“મને જગાડાય નહીં? ક્યારે આવ્યા? રસોઈ?”
“અરે રીલેક્સ. બાએ બનાવી નાખી છે. અમે લોકોએ જમી લીધું છે. તારી થાળી ઢાંકી રાખી છે. લઈ આવું?”
“ના મારે નથી જમવું ” કહીને હું પડખું ફેરવી ગઈ. ચિંતન મારી પીઠ પર હાથ મુકવા ગયો કે મેં એનો હાથ ઝટકાવી નાખ્યો, એ હસવા લાગ્યો. મેં બ્લેન્કેટ કસકસાવીને પકડી રાખ્યું. એણે હજું પણ પેલું ઓફવ્હાઈટ શર્ટ ને બ્લ્યુ જીન્સ પહેરેલું હતું. એ મારી બાજુમાં આવ્યો,
“હેઇ આઈમ સોરી… તું થાકેલી લાગે છે એટલે જ તને બાએ ઉઠાડવાની ના પાડી. સવાર માટે સોરી.”
મેં મારું મોઢું ઢાંકી દીધું ને મને લાઈટની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો.
સવારે આંખ ખુલી તો સાત વાગી ગયા હતા. જોયું તો મારું માથું ચિંતનના ખોળામાં હતું, એ બેડનો ટેકો લઈ બેઠો બેઠો સુતો હતો. એનો એક હાથ મારાં વાળમાં હતો. હું ફટાફટ ઊભી થઈ. લાઈટ ચાલું કરી.
“હાય હાય…બીચ્ચારા આખી રાત નાઈટડ્રેસ પહેર્યા વિના બેઠા રહ્યા. સરખું સુતાય નહીં! આમ તો રાત કઈ રીતે ગઈ હશે એની?” હું ક્યાંય સુધી ચિંતનની સામે જોઈ રહી. મને અપરાધભાવ જેવું થઈ આવ્યું.
“અરેરેરે… એક માંડ રવિવાર મળ્યો હોય એય મેં ઝઘડવામાં વેડફી નાખ્યો. બીચ્ચારા એ તો કેટલીય વાતો કરવા માંગતાં હતાં. હું જ ડફર છું સાવ. ઝઘડ્યા વિના રિસાયા વિના રહી ગઈ હતી તે..” મેં એમને સરખા સુવડાવ્યા. બ્લેન્કેટ ઓઢાડ્યો. એના ગોરા ચહેરા પર સ્મિત હતું મને એની બંધ પાંપણો જોઈ બહું વહાલ ભરાઈ આવ્યું. હળવેથી એમના ગાલ પર ઝુકીને ને હળવું ચુંબન કર્યું ને પછી ફટાફટ વાળ બાંધતી રસોડામાં આવી. ગેસ પર તપેલી મુકી. દુધ ગરમ કર્યુ ને કૉફીના બીસ્કીટ નાખ્યા. એકાએક મારું ધ્યાન પ્લેટફોર્મના છેડે પડેલાં મીઠાવાળા પાણી ને વ્હાઈટ પકડાં તરફ ગયું. મેં બારીમાંથી આવતાં પ્રકાશમાં જમણા હાથની કોણી જોઈ ઈજેક્શનની સોયનું નાનકડું લાલ ટપકું દેખાયું. હું હસી પડી. સામે સ્ટીલના સ્ટેન્ડમાં મારો ચહેરો મને દેખાયો,અંબોડામાં બાંધેલાં લાંબાં કોરા વાળની એક લટને જમણાં કાન પાછળથી અલગ કરી અને જમણાં ગાલ પર છોડી. ઉગતા સુરજના ગુલાબી તડકામાં મારા ચહેરા પર, સ્ટીલનું સ્ટેન્ડ પર ને ઈજેક્શનની સોયના ટપકા પર લાલીમા છવાઈ ગઈ. સાડીનો છેડો માથે ઓઢ્યો ને બાનો અવાજ સંભળાય સંભળાય કે ‘વહું… મારી કૉફી..’ એ પહેલાં ડ્રોઈંગરુમ તરફ કોફીનો કપ લઈ ચાલતી થઈ.
૨. પપ્પાને લોટરી લાગી ! – કલ્પના જિતેન્દ્ર
‘હિના, આ વાંચ્યું લે !’ નિરવે છાપું વાંચતાં વાંચતાં બૂમ પાડી. ‘વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધને દશ લાખની લોટરી લાગી.’
‘હં… અ… અ, ઈન્ટરેસ્ટિંગ ! બુઢ્ઢો નસીબદાર !’ હિનાએ ચાના કપ ટિપોઈ પર મૂકતાં કહ્યું, ‘ભગવાન પણ જો ને ! ઘરડા પર વરસી પડ્યો ! હવે શું જરૂર છે એને પૈસાની ! શું કરશે આટલા પૈસાનું ?’
ત્યાં જ ફોન રણક્યો.
નિરવે ઉઠાવ્યો, ‘હેલ્લો… ઓ હો ! ચૈતાલી ? ગુડમૉર્નિંગ ! આજે તો સવાર સવારમાં કાંઈ ? રવિવારે તો તું મોડે સુધી આરામ ફરમાવતી હોય છે !’
‘ભાઈ, વાંચ્યું ને પેપરમાં ?’ સ્વરમાં ઉત્તેજના હતી.
‘ના ! શું છે ?…’ નિરવ જરા ગભરાયો.
‘લોટરીના સમાચાર ! પાછલા પાને મોટા હેડિંગમાં છે.’
‘અમારા પેપરમાંય છે, પણ વચ્ચેના પાનામાં ને નાના અક્ષરમાં !’
‘વાંચ્યું ને તમે ! પપ્પાને લોટરી લાગી દશ લાખની !’
‘હેં ?! શું વાત કેરે છે તું ? પેપરમાં તો કોઈનું નામ નથી. માત્ર વૃદ્ધાશ્રમના રહેવાસી એટલું જ છે.’
‘એ પેપર મોટું છે. આ તો નાનું, એટલે નામ – એડ્રેસ બધું જ. પપ્પાનો ફોટો પણ છાપ્યો છે !’
‘એમ ?’ કહેતા નિરવની આંખ હિના સામે ટકરાઈ, એ તો આ સાંભળીને ઊભી જ થઈ ગઈ !
‘અચ્છા, તું મળી છો હમણાં એમને ?’
‘ના, આઠેક મહિના પહેલાં ગઈ’તી. બાકી તો જરાય સમય નથી મળતો ! તું છેલ્લે ક્યારે મળ્યો ?’
‘હં…અ, મારે પણ સાત-આઠ મહિના તો થઈ ગયા. જો ને આઠ મહિના પહેલાં, મમ્મીની પુણ્યતિથિ ઉપર પપ્પાએ વૃદ્ધાશ્રમમાં ભોજન ને ભજનનો કાર્યક્રમ હતો એટલે ગયો હતો. જી, હું તો ભૂલી જ ગયેલો, પપ્પાનો ફોન આવ્યો એટલે જવું પડ્યું.’
‘હું તો ત્યારે પણ જઈ ન શકી. જોને નીકળાતું જ નથી. રવિવારે પણ કોઈ ને કોઈ પ્રોગ્રામ હોય જ… તમે ચારેય ગયા’તા કે તું એકલો ?’
‘એકલો જ. પપ્પાની ઇચ્છા હતી કે મમ્મીની પુણ્યતિથિ છે તો હિના ને બાળકો પણ આવે. પણ તું જાણે છે ને હિનાને ઘરકામ હોય ને નીકુ ને ગુડ્ડી ત્યાં જાય ખરાં !’
‘ચાલ, જવા દે. સાંભળ, શું કહું છું હું !… દશ લાખનો દલ્લો લાગ્યો છે પપ્પાને. હરખ કરવા તો જવું પડશે ને !’
‘ક્યારે જઈશું ?… આજે રજા છે… સમય મળશે તને ?’
‘સમય નહિ હોય તોય કાઢવો જ પડશે. કારણ ફ્લૅટનું રિનોવેશન કરાવવું છે, બે-ત્રણ લાખ પપ્પા આપે તો ?’
‘મારે પણ બિઝનેસમાં જરૂર છે ત્રણ-ચાર લાખની !
…આમેય પપ્પાને શું કામ છે દશ લાખનું ? આમ જોઈએ તો આપણા જ છે ને વળી ! પાંચ પાંચ લાખ પાકી ગયા ! બહુ થાય તો ત્રણ ભાગ પડે. મારો, તારો ને પપ્પાનો ! ત્રણ લાખ ને તેંત્રીસ હજાર ખોટા નહિ !’
‘હં… એ વાત તો સાચી !’
‘એમ કર, તું ઝડપથી અહીં આવી જા, સાથે જ નીકળીએ. બે કલાકનો રસ્તો છે. દૂર ક્યાં છે ?’
‘હિના, નીકુ, ગુડ્ડીને પણ સાથે લઈએ, પપ્પાને મળાશે !’
‘બાકી, ખરા છે હો પપ્પા ! દશ લાખ મળ્યા તોય આપણને તો ફોન પણ નથી કરતા !… આ લોટરીની ટિકિટનો શોખ ક્યાંથી વળગ્યો ?… જે હોય તે આપણા ફાયદામાં છે ને !’
*
છેલ્લાં ચારેક વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેવા આવેલાં, ખરેખર તો તરછોડી દેવાયેલા રમણીકભાઈ લોટરી લાગ્યા પછી અત્યંત સક્રિય થઈ ગયા છે. આમેય તે સતત પ્રવૃત્તિને કોઈને ને કોઈને મદદરૂપ થતા રહ્યા છે. ખુલ્લી હવામાં, બાલ્કનીમાં હિંચકે હીંચકતા હતા ને માણસ કહેવા આવ્યો,
‘તમારા ઘરેથી સૌ આવ્યાં છે. મુલાકાત પેડમાં આવો છો કે અહીં મોકલું ?’ ‘અહીં જ મોકલ ને ?’
દીકરા-દીકરીના અચાનક આગમને ચમક્યાં, પણ હીંચકા પર પડેલાં ત્રણેક છાપાં પર નજર પડી ને સમજી ગયા. એ સાથે જ ભૂતકાળ ઊભરાઈ આવ્યો ! કડવી વાતો ભૂલી જવી હોય એમ આંખો મીંચી ગયા, પણ એમ આંખ બંધ કરી દેવાથી કડવાશ જતી રહેવાની હતી ? એ તો ઊભરાઈ જ !
મેડિકલ એક્ઝિક્યુટિવ હતા. આખા જિલ્લામાં ખૂબ ફર્યા. દવા-કંપની અને ડૉક્ટરો સાથે સારો સંપર્ક. નિવૃત્તિ પછી આરામની જિંદગી ફાવતી નહોતી, પણ પ્રેમાળ પત્નીના સંગાથે જીવી જવાયું. પત્નીના અવસાન પછી આકરું થઈ પડ્યું. શરૂઆતમાં દીકરા-વહુએ સાચવ્યા પણ પછી, પૌત્રને લેવા-મૂકવા જવું, શાકભાજી-દૂધ-દહીં લાવવાના કામમાં પરોવી નાંખ્યા. કામ બરાબર ન થાય તો વહુ છણકા પણ કરે ! મેણા-ટોણા એવા મારે કે કોળિયો ગળે ન ઊતરે !
ઓશિયાળ જિંદગીથી બરાબર ત્રાસી ગયા હતા, પણ શું કરે ? ક્યાં જાય ? એવામાં ત્રણેક વર્ષ પહેલાં દીકરા-વહુને વેકેશનમાં ફરવા જવું હતું. રમણીકભાઈને વૃદ્ધાશ્રમમાં રહેવાનું સૂચવાયું. આમ તો એક મહિનો દીકરીને ઘેર પણ રહી શકાત… પણ એણે ચોખ્ખો નનૈયો ભણી દીધો ! ઘરમાં જ રહી શકાત, રસોયણબાઈ કે ટિફિનની વ્યવસ્થા થઈ શકત… પણ કરવી હોય તો ને ?
હકીકતમાં હિના આ મકાનમાં એકલાં છોડી જવા માગતી નહોતી, ઊંડે ઊંડે આશંકા કે અમારી ગેરહાજરીમાં કોઈ સામાન આઘોપાછો ન થઈ જાય… ક્યાંક મકાન જ વેચી મારે તો ?
જોકે રમણીકભાએને આવો કોઈ વિચાર સુદ્ધાં નહોતો આવ્યો !… પણ દીકરા-વહુની વર્તણૂકથી કંટાળ્યા હતા એટલે થયું ‘ચાલને, વૃદ્ધાશ્રમનો અનુભવ લઈ આવું, જોઉં તો ખરો ! એક મહિનો રહી આવું !’… ને ખરેખર ઘર કરતાં અહીં વધારે ફાવ્યું. વિચાર્યું, ‘દીકરો તેડવા આવશે ત્યારે પ્રેમથી ના પાડી દઈશ.’ પણ એમને ના પાડવાનો વારો જ ન આવ્યો. તેડવા જ ન આવ્યો !
હા, ફરીને આવ્યા પછીય મહિના પછી ફોન જરૂર આવ્યો ! : ‘અમે આવી ગયાં છીએ, તમને ફાવે છે ને ? મળવા આવું છું, તમારો વધારે સામાન તો લાવું જ છું. બીજું કાંઈ જોઈતું હોય તો કહો.’
ખલાસ ! રમણીકભાઈને તો ઘરમાંથી વિદાય મળી ગઈ ! હળવો આંચકો લાગ્યો રમણીકભાઈને ! ખરેખર તો ધરતીકંપનો આંચકો લાગવો જોઈતો હતો, પણ મનમાં આવું કંઈક થશે એવી ઊંડી ઊંડી આશંકા હતી જ. દુઃખ તો ઘણું થયું પણ ત્યાંની ઓશિયાળ જિંદગી કરતા અહીંની સ્વતંત્ર જિંદગીની તે સારી વહાલી કરી લીધી. એમ.આર.ની નોકરીમાં પેન્શનની સુવિધા નહિ, પણ નિવૃત્તિ સમયે મળેલી મોટી રકમમાંથી આ મકાન બનાવ્યું. દીકરા-દીકરી પરણાવ્યાં.
લગ્ન સમયે દીકરીને ગાડું ભરીને કરિયાવર કર્યો ને હવે દીકરાએ આખું મકાન જ કરિયાવરમાં પચાવી પાડ્યું ! ખેર ! રમણીકભાઈએ આંખો ખોલી, એક નિઃશ્વાસ નાંખ્યો ને એની સાથે જ ભૂતકાળ ખંખેરી નાંખ્યો ! જરાક સ્વસ્થ થયા, હીંચકાને હળવો ઠેલો માર્યો ને મોબાઈલ હાથમાં લીધો.
દીકરો-વહુ, પૌત્ર-પૌત્રી, દીકરી સૌ આવ્યાં ત્યારે વાત ચાલુ જ હતી. એમણે આંખના ઇશારાથી આવકાર આપ્યો ને હાથના ઇશારાથી સામે ખુરશી પર બેસવાની જગ્યા બનાવી. સૌએ બેઠક લીધી.
રમણીકભાઈની વાતો મોબાઈલ પર ચાલતી જ રહી. એવું નહોતું કે એમની રિંગ સતત રણકતી હતી ને ફોન ઍટેન્ડ કરવો પડતો હતો, પણ એ જ એક પછી એક નંબર ડાયલ કરવા જતા હતા. એમની વાતોમાં દવાઓ, ટ્રીટમેન્ટ, ઍમ્બ્યુલન્સ વાન, ડૉક્ટરો વગેરે ઠલવાતું જતું હતું. ઘણી વારે વાત પૂરી કરી એમણે સામે નજર કરી.
‘લે ! આજે તો બધા સાગમટે મળવા આવ્યો છો ને શું ?… આમ અચાનક ?’
‘થયું કે ઘણાં સમયથી મળ્યા નથી તો જઈ આવીએ.’
‘ચાલો, બહુ સારું’, કહેતાં એમણે હીંચકા પર પથરાયેલા છાપાનાં પાનાંની વ્યવસ્થિત થપ્પી કરી. આમ કરતાં કરતાં ફરીથી છાપામાં નજર પણ કરી લીધી.
દીકરા-વહુએ એકબીજા સામે સૂચક નજરે જોયું ને પછી નજર નીચી ઢાળી દીધી. સૌ વારાફરતી પગે લાગ્યાં.
‘પપ્પા, ચાલો થોડા દિવસ ઘરે, ચેઇન્જ મળશે.’
‘હા, ચાલો પપ્પા. ક્યાં છે તમારો સામાન ? હું તૈયાર કરી નાખું. આ વખતે મારે ત્યાં પણ રહેવાનું છે !’
‘ના, ના, મને તો અહીં મજા છે. ક્યાંય નથી જવું !’
થોડી વાર આડીઅવળી વાતો ચાલતી રહી. રમણીકભાઈ આગમનનો હેતુ સમજી ગયા પણ દીકરાના મોંએ જ બોલાવવા માગતા હતા. નિરવથી ન રહેવાયું… ‘પપ્પા ! અભિનંદન. દશ લાખની લોટરી લાગી ને ?’
‘હા, જો ને, એની વ્યવસ્થામાં જ રોકાયેલો છું. દશ લાખનો સદ્ઉપયોગ કરવો છે. સૌપ્રથમ બે મોટી વાન ખરીદવી છે. એકમાં ફરતું દવાખાનું કરવું છે કે અંતરિયાળ ગામડાંમાં, ઝૂંપડપટ્ટીમાં જઈ શકે ને ગરીબ-જરૂરિયાતમંદને તાત્કાલિક સુવિધા મળી શકે. જેમાં આધુનિક સુવિધા, દવાઓ તથા ડૉક્ટરો પણ હોય. બીજી ઍમ્બ્યુલન્સ તૈયાર કરવી છે, જે પૅશન્ટને તાત્કાલિકમાં પહોંચાડી શકે.’
‘પપ્પા, પણ…’ હોઠે આવેલો ‘અમારો’ શબ્દ ગળી જઈ નિરવ બોલ્યો… ‘પણ તમારે માટે કશુંય નહિ રાખો ?’
‘ના, કશુંય નહિ, મારે શું જરૂર છે ? મારા કામમાં હજુ તો આટલાંય ઓછાં પડે છે. આ તો મારા અગાઉના સંપર્કના કારણે આટલું થઈ શકશે.
હજી તો મારે રૂરલ પુસ્તકાલય કરવાની ઇચ્છા છે, થશે કે કેમ ? કોણ જાણે ? ખાસ તો ઍમ્બ્યુલન્સ વાનને ફરતા દવાખાના પ્રસંગે તમને બોલાવીશ. તારી મમ્મીની પુણ્યતિથિ ઉપર જ આ ગોઠવેલું છે ત્યારે સૌ જરૂર આવજો હોં !
ચાલો, ચા-નાસ્તો કરીને તમે નીકળો, મારે પણ ઘણું કામ છે. દશ લાખની સારા લોકોને “એમણે ‘સારા’ શબ્દો પર ભાર દીધો. કહ્યું, ‘સારા માણસોના હાથમાં સારાં કામ માટે, નિઃસ્વાર્થભાવે અને સારી રીતે વપરાય એની ગોઠવણ કરવી એ કાંઈ જેવુંતેવું કામ છે ?’ પછી બોલ્યા : ‘શું કો’ છો ?’
૩. આક્રોશ – હિતા રાજ્યગુરુ
કામવાળી રેવા દીકરા સાગરને મેશનું ટપકું કરી ઈશ્વરને પ્રાર્થના કરાવી, પોતે જેને ત્યાં કામ કરતી હતી તે બહેનની શહેરમાં સારી ગણાતી ખાનગી શાળામાં દાખલ કરવા લઈ આવી હતી. બહેને આજે જ ફૉર્મ ભરી જવા કહ્યું હતું. બહેન કોઈ કાગળ વાંચવામાં મગ્ન હતાં તેથી તે એક બાજુ ચૂપચાપ ઊભી રહી. ખાટલામાં સૂતેલો પતિ રવજી પણ સાથે આવ્યો હોત તો ? – એવી સુખદ કલ્પના સાથે તેને ગઈકાલે કામ કરી ઘેર આવી ત્યારે થયેલો સંવાદ યાદ આવ્યો.
‘ઘરનાં કામ કરવામાં વળી શો મોર મારવાનો હતો તે આટલી વાર ? ઝટ ચા મૂક ને સાગરને ખાનગી નિશાળમાં ભણાવવાનો તને મોહ સે પણ વધુ ફી તારો બાપ ભરસે ? મારી પાંહે રૂપિયા હસે તો આપીસ. જવાબદારી મારી નહીં.’
કહી પીવાઈ ગયેલી ચારભાઈની બીડી ઠૂંઠાનો ગુસ્સામાં ઘા કર્યો.
‘હું બે ઘરનાં કામ વધુ કરીસ પણ તમે પીવાની ટેવ ઓછી કરો તો હારું. સાગરને બે છાંટા દૂધ મળે.’
‘બે-ત્રણ ઘરનાં કામ કરવા માંડી એમાં તો પાવર આવી ગ્યો. આ ઘર મારું સે હમજી ? મારે ખાવું હસે તે ખાઈસ અને પીવું હસે તે પીસ તને પોહાતું ના હોય તો વે’તી પડ્ય.’
‘રેવા, આવી ગઈ ?’ બહેને ઊંચે જોતાં કહ્યું.
‘હા, બહેન. તમે ઘરનાં કામની લગીરે ચિંતાના કરતાં. હું હધુંય ટેમસર કરી નાંખેશ. મારા દીકરાની હંભાળ રાખજો. પેલી વાર એકલો મૂકું સું.’ કહી હજુ સુધી તેડી રાખેલા દીકરાને નીચે મૂક્યો. બહેને ફૉર્મ હાથમાં લેતાં કહ્યું :
‘દીકરાનું નામ શું ?’
‘સાગરકુમાર.’
‘પૂરું નામ બોલ. એના પિતાનું નામ શું ?’
રેવાની આંખો પૃથ્વી પર જડાઈ ગઈ.
ફરી બહેને કહ્યું : ‘પૂરું નામ….
રેવાએ નજર જમીન પરથી ઉઠાવી બહેન સામે સ્થિર કરતાં મક્કમ અવાજે કહ્યું : ‘સાગરકુમાર રેવાબેન….’
૪. નીતિમત્તા – પિયુષ ચાવડા
પંકજભાઈ વ્યવસાયે શિક્ષક હતા તેથી તેમનો વાંચનનો શોખ સારી રીતે વિકસી શકેલો. જ્યારે પણ સમય મળે ત્યારે તે શાળાના પુસ્તકાલયમાં જઈ નવાં નવાં પુસ્તકો વાંચ્યા કરે. પુસ્તકાલયની ભાગ્યે જ એવી કોઈ ચોપડી હશે, જે પંકજભાઈની નજર નીચેથી પસાર થઈ ન હોય. આમ તો તેમને બધા જ પ્રકારનું વાચન ગમતું, પણ જીવનમૂલ્યોનો નિર્દેશ કરતાં પુસ્તકો વધારે ગમતાં.
એક દિવસ તે મિત્રના ખાતામાંથી શહેરના પુસ્તકાલયમાંથી એક સરસ પુસ્તક વાંચવા લઈ આવે છે. એ પુસ્તકનો ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ તેમને વધારે ગમી જાય છે. એ લેખ કેટલીય વાર વાંચી લીધો, પણ જેટલી વાર વાંચે એટલી વાર અનોખો જ આનંદ આવે. આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો. પુસ્તકાલયના નિયમ પ્રમાણે હવે પુસ્તક જમા કરાવવાનો સમય થઈ ગયો, પણ પેલો લેખ તેમનો પીછો છોડતો ન હતો. પુસ્તક જમા કરાવ્યા વગર ચાલે તેમ નહોતું. તેઓ પુસ્તક જમા કરાવવા પુસ્તકાલયે જાય છે. ખૂણામાં પડેલ ખુરશી પર બેસી ફરી પેલો લેખ એક વાર વાંચી જાય છે. ઘડીભર થાય છે કે આ પુસ્તક જમા કરાવી ફરીથી વાંચવા લઈ જાઉં. ફરી વિચાર બદલ્યો. આજુબાજુ નજર દોડાવી. હળવેકથી એ ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ ફાડીને ગજવામાં મૂકી દીધો અને પુસ્તક જમા કરાવી નવું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ મેળવી ચાલતી પકડી !
૫. અકબંધ – હિમાંશી શેલત
આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાયો નહોતો. રિક્ષા જમણી બાજુ વળી કે તરત પાનની લારી દેખાઈ. આમલીનું ઝાડ પણ ત્યાં જ હતું. હવે સવિતાબહેનનું ઘર આવશે, પછી રસિકકાકા, પછી બકુલભાઈ અને સામે…. બધું કેટલું પરિચિત, અકબંધ હતું ? આ રસ્તાઓ પર એ કેટલીયે વાર ચાલી હશે, ભલે ને ધૂળમાં એનાં પગલાં ન દેખાય. અહીંથી જ પહેલી વાર શણગારેલી મોટરમાં એ નીકળી હતી, બાજુમાં સુબંધુ. રડી રડીને રાતી બની ગયેલી આંખો. મોટરની બારીમાં આંસુમાં પીગળી ગયેલો બાનો ચહેરો, કોઈને ભેટીને રડતી અને હાથ હલાવતી અવની, ખૂણે ઊભેલા પપ્પાજી – પછી ઘર દેખાતું બંધ થઈ ગયેલું. બૅંગલોર ગયા પછી બે વર્ષે એક જ વાર અહીં આવેલી, પણ તરત પાછા જવું પડેલું. સુબંધુને તાવ આવ્યો તેથી. પછીનાં ત્રણ વર્ષ ઘરનાં ગણ્યાં ગણાય નહિ અને ક્યારેય પૂરાં થાય નહિ એવાં કામોમાં ચાલ્યાં ગયાં. આ વખતે તો નક્કી જ કરેલું કે મહિનો રહેવું છે નિરાંતે. બાને ગમશે. અવનીને રાહત થશે. ભાભીને પણ કામકાજમાં મદદ થશે. જોકે એ લોકો તો એમ જ કહે કે સુબંધુને તકલીફ પડશે, પણ બાની તબિયત ઠીક નથી રહેતી એટલે થોડા દિવસ અહીં રહેવાથી બધું બરાબર ગોઠવાઈ જશે. પછી બેંગલોર ને સુબંધુ, ઘર ને ઘરનું કામ, એ તો છે જ ને કાયમનું.
બૅગ હાથમાં લીધી ત્યાં અવની દોડતી આવી. ‘મેં કહેલું ને કે બાની માંદગીની વાત સાંભળ્યા પછી બહેન આવ્યા વગર રહે જ નહિ….’ ભાભી નૅપ્કિનથી હાથ લૂછતાં આવી ઊભાં. આખું ઘર એને વળગી પડ્યું. બા ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. આવી તો એને ખબર જ નહોતી પડી. બાના ચહેરા પરથી એ વાંચી શકતી કે એને કોઈ તકલીફ છે અને એ જ બા આટલી માંદી છતાં એને કોઈ જાણ જ નહોતી ! ને આ બધાં તો કહે છે કે ગયા ગુરુવારે તો તબિયત બહુ બગડેલી, પછી જ તને કાગળ લખ્યો. ગયા ગુરુવારે એ અને સુબંધુ પાર્ટીમાં ગયેલાં, એણે તૈયાર થવા પાછળ બે કલાક બગાડેલા, ત્રણ વાર સાડી બદલેલી અને અહીં બા…. મન ભારે થઈ ગયું. ચાલ, હવે ચિંતાનું કારણ નથી. આ તો બાને જરા ગમે એટલે તને લખ્યું. બાકી અમે તો છીએ જ ને ? કામ તો ચાલ્યા કરે…. અવનીએ એનો હાથ પકડી કહ્યું.
રસોડામાં ભાભી પૂરી તળતાં હતાં, અવની વણતી હતી. આ અવની એને મદદ કરતી વખતે કાયમ ઝઘડો કરતી અને બે બહેનોની તડાતડીથી કંટાળેલી બા કોઈને કામ સોંપવાને બદલે જાતે જ કરી લેતી હતી. રસોડું ઠીક ઠીક બદલાઈ ગયું હતું. હવે અહીં કશું જડે નહિ. મસાલાનો ડબ્બો એની અસલ જગ્યાએ નહોતો. પોતે હોંશથી પસંદ કરેલી તે ખુરશીઓની જગ્યાએ ડાઈનિંગ-ટેબલની આસપાસ સાવ નવી ખુરશીઓ ગોઠવાઈ હતી. ફલાવરવાઝમાં ગુલછડીને બદલે સૂર્યમુખીનું એક મોટું ફૂલ મૂક્યું હતું.
‘લાવો, ભાભી, હું પૂરી તળું, તમે થાકી ગયાં હશો. આરામ કરો થોડી વાર.’
‘બધું થવા જ આવ્યું છે, તમે અહીં આરામ કરો થોડા દિવસ.’ ભાભીએ તેલમાં પૂરી મૂકતાં કહ્યું.
‘બાને જમવાનો સમય થયો છે, થાળી પીરસી દઈએ….’ અવની આટલું બોલી કે તરત એણે થાળી લઈ કહ્યું કે, ‘હું પીરસું છું બાને.’ હજી તો શાક મૂક્યું ન મૂક્યું ત્યાં જ ભાભી તીણા અવાજે બોલ્યાં, ‘ના, ના, એ નહિ, બાનું શાક તો જુદું છે – મોળું. તમને જડશે નહિ બધું. હું હમણાં ઝટપટ તૈયાર કરું છું. જુઓને….’ અવની અને ભાભીની ઝડપભરી આવન-જાવનમાં નડતરરૂપ ન થવાય એ રીતે એ માત્ર ઊભી જ રહી, મહેમાનની જેમ. બંનેના ટેવાયેલા હાથ નિશ્ચિત સ્થળેથી ચીજ-વસ્તુઓ લેતા હતા, મૂકતા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એની ત્યાં ખાસ જરૂર નહોતી.
બપોરે અવનીના રૂમમાં ગઈ. હવે અવનીનો, બાકી પોતાનો હતો આ રૂમ. પેલાં લીલાં જંગલોનું મોટું ચિત્ર અવનીએ ખસેડી લીધું હતું. ત્યાં હવે દરિયો હતો. એને નારિયેળી જોવી ગમતી એટલે ટેબલ બારી પાસે રહેતું. અવનીએ ટેબલ બીજી દિશામાં ગોઠવ્યું હતું. ડૉક્ટર થવાની હતી અવની એટલે એનાં પુસ્તકો પણ જુદાં. ‘વાત તો કર બેંગલોરની, તારા ઘરની, વરની…..’ અવની બોલતી રહી. તડકો જરા નરમ પડ્યો એટલે એ બાગમાં ગઈ. આંબો તો એવો જ હતો. અહીં એણે સુબંધુનો પહેલો પત્ર વાંચેલો અને અહીં બેસીને જ એણે સુબંધુને પત્ર લખેલો. બે વાર ફાડી નાખેલા કાગળની ચબરખી કદાચ આમતેમથી નીકળી આવવાની હોય એમ ઝીણવટથી એ બધું જોઈ રહી. જોકે એ ઉત્સુક હતી એની મોગરવેલ જોવા માટે. ખૂબ ઝડપથી ફાલતી એ વેલને મદનબાણ કહેવાય એવું કોઈકે કહેલું. એ વેલની ભરાવદાર, અધખીલી કળીઓથી લચી પડેલી એ મોગરવેલ પાસેથી પસાર થતાં સુગંધના દરિયાની છોળોમાં ભીના થવાનું એને ખૂબ ગમતું. અત્યારે તો કળીઓ બેઠી હશે. એ ઝડપથી પાછળ ગઈ. અટકી જવાયું, ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ – ના, એને એવું લાગ્યું, ખરેખર તો બહાર કશો અવાજ આવ્યો જ નહિ. અવનીને એ માંડ માંડ પૂછી શકી કે મોગરવેલ ક્યાં ગઈ, એણે કેટલી હોંશથી ઉછેરેલી !
કામ કરતાં કરતાં અવનીએ કહ્યું કે, ‘બહુ વધી ગયેલી ને એક વાર નાનો સાપ ત્યાંથી નીકળ્યો. છોકરાં બહાર રમે તેથી ભાભીને બહુ ડર લાગ્યો ને કપાવી નાખી. મૂળ તો હતાં, પણ પછી પાન ફૂટ્યાં જ નહિ. એ ઉદાસ થઈ ગઈ. આટલી નાની વાતમાં ઉદાસ ન થવું જોઈએ એવું સમજવા છતાં – આંબા પાસે બેઠી, પણ ગમ્યું નહિ. બધું બહુ જુદું, અજાણ્યું લાગ્યા કરતું હતું. એને રાત્રે ઊંઘ આવી નહિ.
‘બહેન, બાનું કામ બધું માથે લે છે તે તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે. તું કલાક સુધી બાને માથે તેલનું માલિશ કરે છે તે મને કે ભાભીને એટલો વખત મળવાનો છે ? અવની બબડ્યા કરતી. રસોડામાં તો કોઈ ફરકવા દેતું જ નહિ. એક દિવસ તક મળી ને પપ્પાજી માટે કૉફી બનાવી કાઢી. એમને કૉફીમાં ખાંડ વધારે જોઈતી તે યાદ રાખીને ચમચી વધારે નાખી ત્યારે એમણે તો એક ઘૂંટડો પીધો ને તરત મૂકી દીધી, ‘અરેરે ! આટલી બધી ગળી !’
‘એ તો બહેને બનાવી, એને ખબર નથી કે તમે ડાયાબિટીસની બીકમાં ખાંડ ઓછી કરી દીધી છે.’ એ જરા છોભીલી પડી ગઈ. રાત્રે બાને પીરસતી વખતે ભાભીએ કહ્યું કે તમે અહીં છો તો સુબંધુભાઈને તકલીફ પડતી હશે ખાવા કરવાની….. ઘર, સુબંધુ, બૅંગલોર – વાત આટલાથી આગળ વધતી નહિ. એ અકળાઈ જતી. હું અહીં તમારી જોડે નિરાંતે રહેવા આવી છું. અહીં બેસીને સુબંધુની ચિંતા કરવા નથી આવી. ગુસ્સે થઈને બોલતી નહિ કોઈ જોડે તો અવની ને ભાભી મજાક કરતાં કે સુબંધુભાઈ વગર ગમતું નહિ હોય…..
મધુમાલતીની સુગંધ લઈ રાત આવતી ને બા દવા લઈને સૂઈ જતી. આગલા રૂમમાં બેઠક જામતી. અવની બહેનપણીને ત્યાં વાંચવા જતી, ભાઈ-ભાભી ટીવી જોતાં જોતાં અનુની સ્કૂલના પ્રોગ્રામની, પાર્થના ટ્યુશનની, એ બંનેની પરીક્ષાની વાતો કરતાં, જેમાં એનાથી સામેલ થવાતું નહિ. પપ્પાજી બહાર આરામખુરશીમાં લંબાવી માધવકાકા જોડે રાજકારણની ચર્ચા કરતા. પોતાને ભાગે કશું કહેવા કે કરવા જેવું આવતું નહિ એટલે એકાદ ચોપડી લઈ વાંચવાનો પ્રયત્ન કરતી, પણ બે પાનાંથી આગળ વંચાતું નહિ. આ દશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો. બધું બરાબર હતું, જેમ હોવું જોઈએ તેમ જ. બેંગલોર ગઈ ત્યારે એને એવું લાગેલું કે એના વગરના આ ઘરમાં કશુંક ખાલી રહેશે, જે એના આવવાથી, એની હાજરીથી જ પૂરી શકાય. ગેરસમજ થઈ ગઈ હતી જરા. એને એકાએક બેંગલોર યાદ આવ્યું અને રાત્રે જ સુબંધુને કાગળ લખવા બેસી ગઈ.
સવારે અવની બાને કહેતી હતી કે બહેન ઠરીને રહે તો બહેન નહિ. મહિનો રહેવાનું કહેતી હતી ને હવે જવાની વાત કરે છે ખાલી દસ દહાડામાં. એને હવે અહીં શેનું ગમે, એનુંયે ઘર છે ને હવે તો – બા હસતાં હસતાં કહેતી હતી. જવાની વાતનું કોઈને આશ્ચર્ય નહોતું.
ઘર-ઘર-ઘર હું તો ઘર પાછળ મૂકીને આવી હતી. સુબંધુ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાનાં રમવા જવું, દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટી માટે ઠઠારો કરવો, જ્યાં જઈ આવ્યા હોઈએ તેમને વળતું નોતરું દેવું, સુબંધુના મિત્રોને ખરાબ ન લાગે તેની કાળજી રાખવી, રોજ ઑફિસ ને પ્રમોશનની એકની એક વાતો સાંભળવી, ખૂબ નજીક લેવાતા શ્વાસની ગરમી સતત અનુભવ્યા કરવી – એ તો બધું છે જ મારે માટે. મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેથી સ્પર્શી લેવી હતી. એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવની – સહુની જોડે તોફાનમસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ આ ઘરમાં કોઈ દિવસ ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડી રડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઈચ્છા, એ ખેંચાણ-તરફડાટ… અર્થ હતો કંઈ એ બધાનો ? ભારે ગેરસમજ થઈ હતી એની.
પણ આમાંનું કશું બાને કે અવનીને કહેવાયું નહિ. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું. પેલી મોગરવેલ પછી પાંગરી જ નહિ એટલે શું થાય..
૬. સ્ટોરરૂમ – મોહમ્મદ માંકડ
માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’
‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’
‘પણ ઈસ્ટોર રૂમની જરૂર શું છે ? ઘરમાં ત્રણ તો મેડા છે.’
રાકેશ હસી પડ્યો, ‘કેવી વાત કરે છે ! સ્ટોરરૂમ વિના તે ચાલતું હશે ? અને આ ચીકુડીને ચીકુ જ આવતાં નથી. સાવ નકામી છે.’
‘નકામી નથી, ભાઈ, તારા બાપુજીએ પોતે જ વાવી છે. આ ખારા પાટમાં ઝાડ થાય છે ક્યાં ?’
‘હું ય એ જ કહું છું ચીકુ આવે નહિ એવી ચીકુડી શું કામની ?’
‘આવશે. ઓણ નહિ, તો પોર આવશે. એ આશાએ તો ઉછેરીને આવડી કરી છે.’
‘આને ક્યારેય ચીકુ આવવાનાં નથી. બે વરસથી તો દુકાળ છે.’ માલતી બોલી, ‘તો ય ગયે વર્ષે તો થોડાંક બેઠાં’તા.’
‘સોપારી જેવડાં !’ રાકેશ હસ્યો, ‘કઢોરિયાં અને દુષ્કાળ આ ઝાડને શું નડે ? આને તો નળનું પાણી મળે છે.’
‘દુકાળ તો બધાંયને નડે.’ માલતી બોલી.
‘જો બા હું તો ચીકુ ખાતો નથી, તને ખબર છે. તારે ખાવાં હશે તો ગામમાં ક્યાં ઓછા મળે છે ?’
માલતીને આઘાત લાગ્યો. આઘાતના માર્યા જ એનાથી બાજુમાં જોવાઈ ગયું. બાજુમાં જ એની પુત્રવધૂ ઊભી હતી. માલતીનો ચહેરો કાળોધબ થઈ ગયો. પીઠ ફેરવીને એ અંદર જતી રહી.
‘તને ગમે તે કર.’
રાકેશ બા પાછળ ઘરમાં ગયો, ‘આવી જીદ શું કામ કરો છો ?’
માલતીએ દીકરા સામે જોયું. જે દીકરાને એણે દૂધ પાયું હતું, જે દીકરાને એણે બોલતાં શીખવ્યું હતું, જે દીકરાને એણે જિંદગીના રસ્તા પર ડગલાં માંડતાં શીખવ્યું હતું, એ દીકરો આ નહોતો. એના ખોળામાં રમતો હતો, બાથમાં સમાઈ જતો હતો, એ દીકરો આ નહોતો. ધીમેથી એણે મોં ફેરવી લીધું. પતિની યાદ એને આવી ગઈ. બોલી, ‘ચીકુડી ન કપાવ તો સારું. પછી તો તારી મરજી.’ મનમાં એને ખાતરી થઈ ગઈ કે ચીકુડી કપાઈ જ જવાની.
‘તો સ્ટોરરૂમ ક્યાં બનાવશું ?’ રાકેશે જૂનો પ્રશ્ન ફરીથી કર્યો.
નહોતું બોલવું, બોલવાનો કોઈ અર્થ નહોતો, છતાં માલતી બોલી ગઈ, ‘આજ સુધી ઈસ્ટોર-રૂમ વિના ચાલ્યું. એની જરૂર શું છે ?’
રાકેશ હસી પડ્યો : ‘તને એ નહિ સમજાય બા.’
માલતીથી વળી રસીલા ઊભી હતી એ દિશામાં જોવાઈ ગયું. કપાળે હાથ દઈને એ રાકેશને ઈશારો કરતી હતી, ‘મૂકોને માથાકૂટ.’
‘તું જા, ભાઈ.’ માલતી બોલી, ‘કપાવી નાખ, ચીકુડી.’ રાકેશ ભારે પગલે બહાર ગયો અને ચીકુડી કાપવા બોલાવેલા માણસને ના કહી દીધી.
માલતીએ એ સાંભળ્યું, પણ એનાથી એને કોઈ આનંદ ન થયો. એને લાગ્યું કે ચીકુડી તો કપાઈ ગઈ હતી. હવે માત્ર એના ઉપર કુહાડી ચલાવવાનું જ બાકી હતું. એવું એને કેમ થયું, કોણ જાણે, પણ મોડે સુધી એવું જ થયા કર્યું. બે-ત્રણવાર તો બહાર જઈને જોઈ પણ આવી. ચીકુડી સલામત હતી. રાકેશને બે વરસ પહેલાં પરણાવ્યો ત્યારથી માલતી જોતી હતી, કે રસીલા રાકેશ ઉપર કબજો જમાવવા કોશિશ કરતી હતી. ઘરમાં એનું જ ધાર્યું થાય એ રીતે વર્તતી હતી. પોતાના મનને એ ઘણું મનાવતી હતી કે, એ બન્ને વચ્ચે પ્રેમ વધે તો એથી મારે ખુશ થવું જોઈએ, છતાં કોણ જાણે કેમ, મન વારંવાર ચચરી ઊઠતું હતું. અને ચીકુડીને રસીલાએ જે રીતે ઝપટમાં લીધી હતી એ જોઈને તો એનો જીવ કળીએ કળીએ કપાતો હતો. એક દિવસ રસીલા ચીકુની ડાળીઓ ભાંગતી હતી. માલતીએ અવાજ સાંભળ્યો એટલે ત્યાં જઈને કહ્યું :
‘વહુ બેટા, ચીકુડીની ડાળીઓ શા માટે તોડો છો ?’
‘રસ્તામાં આડી આવે છે.’ રસીલા બોલી.
‘આપણે જરાક ફરીને ચાલવું. આ ચીકુડી તમારા સસરાએ વાવી છે. બહુ સારી જાતની છે. કાલી પત્તી. હવે એકાદ બે વરસમાં તો એને ફળ આવશે.’
રસીલા સહેજ મોં બગાડીને ગણગણી, ‘ચીકુ તો….. બજારમાં ઘણાંય મળે છે.’
માલતીએ એ શબ્દો સાંભળ્યા. મનમાં જવાબ ઊગી આવ્યો – બજારનાં અને ઘરનાં…. અને આ તો રાકેશના બાપુજીએ પોતે….. પણ બોલવાનું એને જરૂરી ન લાગ્યું….. મનમાં ખાતરી થઈ ગઈ, વહુને ચીકુડી ઉપર ચીડ છે.
પછી ઘણીવાર એ જોતી હતી કે, રસીલા ચીકુની ડાળીઓ કાપી નાખતી હતી. એનો ફાલ મોરી નાખતી હતી. ફળ બેસે ત્યાં જ વેડી નાખતી હતી. એને જાણે એ એક જ કામ હતું. ચીકુડીની એ જાણે વેરી હતી. અને થોડા દિવસથી આ સ્ટોરરૂમની વાત ઊભી થઈ હતી. માલતીને એમ જ લાગતું હતું કે, રસીલાએ જ એ વાત ઊભી કરી હતી. ઘર નાનું હતું. ઘરમાં સ્ટોરરૂમ નહોતો. વાત સાચી, પણ સ્ટોરરૂમની જરૂર શું હતી ? માલતીને સમજાતું નહોતું. આટલાં વરસ સ્ટોરરૂમ વિના ચાલ્યું. ઘરમાં બે રૂમ હતા, નાનકડી ઓસરી હતી, રસોડું હતું અને ત્રણ તો મેડા હતા. ઘર નાનું હતું, પણ આવડું ય અત્યારે કેમ બને છે ? રાકેશને પગાર તો એના પિતા કનુભાઈ કરતાં પાંચગણો વધારે છે, પણ ચટણી થઈ જાય છે ! રાકેશના પિતા કનુભાઈએ ઘર બનાવ્યું છે, એમાં ખોડખામી કાઢવાનો અર્થ શું ? પણ રસીલાને તો આ ઘર જાણે ઘર જ નથી લાગતું. ક્યારેક કહી પણ દે છે – ભીંતડાં છે, ભીંતડાં ! ઘર તે આવાં હોતાં હશે ? કોઈ સગવડ નહિ, કોઈ પ્લાનિંગ નહિ, (અંગ્રેજી ભણેલી છે ને રસીલા !) કોઈ ફર્નિચર નહિ, કોઈ સારા માણસો મળવા આવે તો એમને બેસાડવા ક્યાં ? અરે, કમ સે કમ કચરો સંઘરવાની જગ્યા તો હોવી જોઈએ ને ? સ્ટોરરૂમ વિનાનું ઘર ? હું તો વિચાર પણ નથી કરી શકતી.
બસ, એમાંથી જ આ સ્ટોરરૂમની હોળી શરૂ થઈ હતી. અને ચીકુડી સપાટે ચડી ગઈ હતી. માલતીએ નારાજ થઈને એકવાર તો રાકેશને કહી દીધું હતું, ‘પૈસા હોય તો ઉપર માળ ચણાવને. તારા બાપુજી તો બિચારા શિક્ષક હતા. એમનાથી બન્યું એ કર્યું : તું તો સાહેબ છો. ઉપર માળ બનાવ અને જરૂર લાગે તો એકના બદલે આઠ સ્ટોરરૂમ બનાવ.’ રાકેશ તો કશું બોલ્યો નહોતો, પણ રસીલા પાડોશમાં જઈને હસી આવી હતી, ‘ઉપર સ્ટોરરૂમ ! માણસોનાં ભેજાં પણ હોય છે !’ રાકેશ મામલતદાર ઑફિસમાં હેડકલાર્ક હતો. રસીલાને લાગતું હતું કે, એનો પતિ આવા મહત્વના હોદ્દા ઉપર હોવા છતાં કોઈ સારા માણસને પોતાના ઘરે બોલાવી શકતો નહોતો, સારા સંબંધો બાંધી શકતો નહોતો, પ્રગતિ કરી શકતો નહોતો, કારણ કે ઘરનાં કોઈ ઠેકાણાં નહોતાં ! અરે ઘરમાં સ્ટોરરૂમ પણ નહોતો ! અને રાકેશે આખરે સ્ટોરરૂમ બનાવવાનું સ્વીકારી લીધું હતું, પણ નાના ઘરમાં એ માટે જગ્યા નહોતી. નાના ફળિયામાં એ માટે જગ્યા થઈ શકે તેમ હતી. રસીલા કહેતી કે, ચીકુડી નકામી જગ્યા રોકતી હતી. બીજી જગ્યાએ સ્ટોરરૂમ સાવ નાનકડો થાય, પણ ચીકુડી કપાવી નાખવાથી બધું સરસ રીતે ગોઠવાઈ જાય એમ હતું.
પણ એની બા જીદ લઈને બેઠી હતી. એની વાત સાચી હતી. રાકેશના બાપુજીએ બહુ પ્રેમથી એ વાવી હતી. આ ખારાપાટમાં ઝાડપાન જ ઓછાં હતાં, પણ કનુભાઈ શોખીન હતાં. પોતે તરસ્યા રહીને ઝાડને પાણી પાય એવા હતા. દસ ગુલાબના છોડ, એક મોગરાની વેલ, એક ચંપો એ તો બધાં એમના મૃત્યુ પછી બળી ગયાં હતાં. એક ચીકુડી બચી ગઈ હતી. પણ હવે રાકેશને લાગતું હતું કે, નાનકડા ફળિયામાં એક ચીકુડી હોય તોય શું અને ન હોય તોય શું ? એની બા એવી સાદી વાત સમજતી નહોતી. સ્ટોરરૂમની વાત ઉપર બીજા છ મહિના પસાર થઈ ગયા. પાડોશમાંથી ત્રણ કુટુંબો જાત્રાએ જતાં હતાં. હરિલક્ષ્મીબહેને માલતીને આગ્રહ કર્યો, તમે પણ આવોને બહેન, કાલની કોને ખબર છે ? આજે સગવડ છે. દીકરો ને દીકરાની વહુ ઘર સાચવે એમ છે. સૌનો સંગાથ છે. આવો ને. કાયાનો શું ભરોસો ? વાત તો, હરિલક્ષ્મીબહેનની વિચારવા જેવી હતી. કાયાનો શો ભરોસો ? રાકેશના પિતાને પણ કેટકેટલી હોંશ હતી – પણ બિચારા અધવચ્ચે જ ચાલ્યા ગયા. દીકરાનાં લગ્ન જોવા ય ન રહ્યા ! કાલની કોને ખબર છે ? આજ કાલ કરતાં એ વાતને ય પાંચ વરસ થઈ જશે ! વખત તો વેરી છે, ક્યારે છેતરી જાય, કે’વાય નહિ !
માલતીએ પાડોશીઓ સાથે જાત્રાએ જવાનું નક્કી કરી લીધું. રાકેશને વાત કરી. એણે હા પાડી. દીકરાને અને વહુને ઘર સાચવવાનું કહીને માલતી જાત્રાએ ગઈ. જો કે, જેટલી વાર એ ઘર સાચવવાની ભલામણ કરી એટલી વાર એને ચીકુડી જ યાદ આવ્યા કરી, પણ એ શબ્દ એણે ઉચ્ચાર્યો નહિ. પણ જાત્રા કરીને પાછી ફરી ત્યારે ફળિયામાં દાખલ થતાં જ એની નજર ચીકુડી ઉપર પડી. ચીકુડી કપાઈ ગઈ હતી. એક ખૂણામાં એનાં થોડાક ડાળખાં પડ્યાં હતાં. એના ઉપર હજી થોડાંક સૂકાં પાંદડાં વળગી રહ્યાં હતાં. ચીકુડીની જગ્યાએ સ્ટોરરૂમનું ચણતર શરૂ થયું હતું – નકામો કચરો રાખવાની જગ્યા તો જોઈએ ને ? ફળિયું વટાવીને માલતી માંડ-માંડ ઓસરી સુધી પહોંચી. કશું બોલી નહિ. દીકરાને અને વહુને આશીર્વાદ આપ્યા. બીજું કશું બોલી નહિ.
રાત્રે રાકેશે દબાયેલા અવાજે વાત કરી : ‘બા, તું ગયા પછી, કોણ જાણે શું થયું, કોઈ રોગ આવ્યો કે પછી બીજું કંઈક થયું, ચીકુડી એકાએક જ સૂકાવા માંડી. અમે ઘણું કર્યું, દવા છાંટી, નિયમિત પાણી પાયું, તો ય સૂકાતી જ ગઈ. સૂકાઈને ઠુંઠું થઈ ગઈ. પછી તો અમે કાઢી નાખી.’ માલતી એ વાત સાંભળી હસી. પિતા ગુજરી ગયા ત્યારે રાકેશે બાને છાતીફાટ રડતી જોઈ હતી, પણ આવી રીતે હસતી તો ક્યારેય જોઈ નહોતી. રાત્રે જ માલતીને તાવ ચડ્યો. ડૉક્ટરે કહ્યું કે, પ્રવાસના થાકને લીધે તાવ આવ્યો હોય એવું બને. કોઈ રોગનાં ચિહ્નો દેખાતાં નથી. બીજે દિવસે સવારે એ ધીમો અસ્પષ્ટ લવારો કરવા લાગી. વારે વારે હાથ ઊંચો કરીને ક્યાંક જવું હોય એવી નિશાની કરવા લાગી.
‘બા’ રાકેશ એના કાન પાસે નમીને પૂછવા લાગ્યો, ‘શું કહો છો, બા ? ક્યાંય જવું છે ?’ માલતીએ માથું ધુણાવીને ના કહી, પણ વળી એણે બબડાટ ચાલુ કર્યો. હાથથી સંકેત કર્યો.
રાકેશે ફરી પૂછ્યું. ફરી ફરીને પૂછ્યું. માલતીએ ઊંડો શ્વાસ લીધો. બીજો, ત્રીજો. થોડીવાર શાંત થઈ ગઈ. વળી હાથ ઊંચો કર્યો. રાકેશે વળી પૂછ્યું. માંડ માંડ જીભ કાબૂમાં આવી હોય એમ માલતી કંઈક બોલી.
‘ક્યાં જવું છે ?’ રાકેશ નજીક ઝૂક્યો.
‘ઈસ્ટોર રૂમમાં….’ અને વળી બોલતી બંધ થઈ ગઈ.